Kuno National Park: ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાને ફરીથી વસાવવાની યોજનામાં મોટો ફટકો પડ્યો છે. પાંચ મહિના પહેલાં નામિબિયાથી આયાત કરાયેલા 8 ચિત્તાઓમાંથી એક માદા ચિત્તા શાશાને કિડનીનો ગંભીર ચેપ લાગ્યો છે.
ભોપાલઃ નામિબિયાથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા શાશાની તબિયત શુક્રવારે વધુ ખરાબ થઈ ગઈ છે. સારવાર માટે ભોપાલથી ડોક્ટરોની ટીમ આવી પહોંચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાશાને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન છે. બ્લડ રિપોર્ટ પણ નોર્મલ નથી. આગામી બે દિવસ ચિત્તાના જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ચિત્તાની હાલત નાજુક છે. જો કે, સારી વાત એ છે કે તે પ્રતિક્રિયા આપી રહી છે. તેને ડિહાઈડ્રેશનની સમસ્યા છે. નામ જાહેર ન કરવાની શરતે ડૉક્ટરોની ટીમે જણાવ્યું હતું કે, તેણે ઘણાં દિવસોથી કંઈ ખાધું નહોતું. બુધવારે શાશાની ખરાબ તબિયતના સમાચાર સામે આવતાં જ તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. અન્ય ચિત્તા સંપૂર્ણ રીતે સારા છે. ત્યારે કુનો મેનેજમેન્ટ ટીમ નામિબિયાના નિષ્ણાતોના સંપર્કમાં પણ છે. વન વિભાગના ડીએફઓ પ્રકાશ વર્માએ આ અંગે ટિપ્પણી કરવાની ના કહી છે.
મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના કૂનો નેશનલ પાર્કમાં આઠ ચિત્તાઓને નામીબિયાથી લાવવામાં આવ્યા હતા. તેમાં ત્રણ નર અને પાંચ માદા ચિત્તા છે. તમામને 17 સપ્ટેમ્બરે કૂનો નેશનલ પાર્કમાં ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા હતા. લગભગ બે મહિના પછી તેમને મોટા વાડા જેવી જગ્યામાં છોડી દેવામાં આવ્યા હતા. બધા પોતપોતાના વાડામાં શિકાર કરી ખાતા હતા. તે દરમિયાન માદા ચિત્તા શાશાની તબિયત લથડી હોવાના સમાચાર આવ્યા હતા.
ભારતમાં વધુ 12 ચિત્તા લાવવાની તૈયારી
માદા ચિત્તા શાશા એવા સમયે બીમાર પડી છે કે, જ્યારે દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તા લાવવાની તૈયારી ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકાની સરકારે ચિતા રિલોકેટ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે શાશાની તબિયત લથડતા વન વિભાગની ટીમ ચિંતિત છે.
ભારતમાં છેલ્લા ચિત્તાનો શિકાર વર્ષ 1947માં હાલના છત્તીસગઢના કોરિયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો. ચિત્તાની પ્રજાતિને 1952માં લુપ્ત જાહેર કરવામાં આવી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર હેઠળ ભારતમાં ચિત્તાઓને ફરીથી લાવવા માટેના ઉદ્દેશ્ય સાથે 2009માં 'પ્રોજેક્ટ ચિતા'ની શરૂઆત કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર