'શું હું બોમ્બ સાથે મુસાફરી કરી શકું?' ઇન્ડિગોએ મુસાફરને વિમાનમાંથી ઉતારી મૂક્યો

'શું હું બોમ્બ સાથે મુસાફરી કરી શકું?' ઇન્ડિગોએ મુસાફરને વિમાનમાંથી ઉતારી મૂક્યો
પ્રતિકાત્મક તસવીર

આ બનાવ બાદ મુસાફરને વિમાનમાં મુસાફરીની મંજૂરી આપવામાં આવી ન હતી અને નિયમ પ્રમાણે તેને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

 • Share this:
  ચેન્નાઇ : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે 'હું બોમ્બ સાથે મુસાફરી કરી શકું?' એવી કોમેન્ટ કરનાર એક પ્રવાસીને ઇન્ડિગોએ પોતાની ફ્લાઇટમાંથી ઉતારી મૂક્યો હતો. હાલ દેશના દરેક એરપોર્ટને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન એક મુસાફરે સુરક્ષા ચેકઅપ દરમિયાન 'બોમ્બ' શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો.

  મંગળવારે ચેન્નાાઇ એરપોર્ટ ખાતે આ બનાવ બન્યો હતો. મુસાફરની ઓળખ એલેક્સ મૈથ્યૂ તરીકે કરવામાં આવી છે. મૈથ્યૂએ એરલાઇન સ્ટાફને કહ્યું હતું કે, "શું હું મારી બેગમાં બોમ્બ લઈને મુસાફરી કરી શકું?"  ઇન્ડિગો એરલાઇન તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. એરલાઇનના જણાવ્યા પ્રમાણે ચેન્નાઇ એરપોર્ટ ખાતે સાંજે સાડા સાત વાગ્યે આ બનાવ બન્યો હતો. જ્યાં સુરક્ષાનું પ્રથમ સ્તર પાર કર્યા બાદ સેકન્ડરી લેડર પોઈન્ટ સિક્યોરિટી કરવામાં આવી રહ્યું હતું. આ ફ્લાઇટ કોચીનથી ભુવનેશ્વર જઈ રહી હતી.

  ઉલ્લેખનીય છે કે સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) તરફથી સુરક્ષા ચેક બાદ એસએલપીસી(સેકન્ડરી લેડર પોઈન્ટ સિક્યોરિટી) કરવામાં આવે છે. આ સુરક્ષા એરલાઇનના અધિકારી કે કર્મીઓ તરફથી કરવામાં આવતું હોય છે. પેસેન્જર વિમાનમાં બેસે તેના પહેલા આ ચેકિંગ કરવામાં આવે છે. જરૂર જણાય તો આ દરમિયાન હેન્ડ બેગની પણ તપાસ કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો : એર સ્ટ્રાઇક પછી લોકો દેશનાં મહત્વનાં મુદ્દાઓ ભૂલી ગયા: શિવસેના

  આ બનાવ બાદ તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ ટીમ, ડોગ સક્વોડ, બોમ્બ ડિટેક્શન ટીમ અને ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ટીમ તરફથી મુસાફરની બેગની તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ જ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આ બનાવ બાદ મુસાફરને વિમાનમાં મુસાફરીની મંજૂરી આપવામાં આવી ન હતી અને નિયમ પ્રમાણે તેને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
  Published by:News18 Gujarati
  First published:March 06, 2019, 15:20 IST