ઇન્ડિગોની ફ્લાઇટમાં મચ્છરોની ફરિયાદ બાદ મુસાફરને કોલર પકડીને ઉતારી દેવાયો

 • Share this:
  લખનઉના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ પર મુસાફર સાથે ગેરવર્તન કરવામાં આવ્યાનો કેસ સામે આવ્યો છે. લખનઉથી બેંગલુરુ જઈ રહેલા એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના ડોક્ટરે આરોપ લગાવ્યો હતો કે ફ્લાઇટમાં મચ્છર કરડતા હોવાની ફરિયાદ કરવા પર તેને કોલર પકડીને ફ્લાઇટની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. સાથે જ એર હોસ્ટેસે ધમકી આપતા તેમને કહ્યું કે, 'મચ્છર ફક્ત લખનઉમાં જ નહીં આખા દેશમાં છે. સારું થશે કે તમે દેશ છોડીને જ ચાલ્યા જાવ.' મુસાફરે આ અંગેની ફરિયાદ એરપોર્ટ તંત્રની સાથે સાથે પોલીસને પણ કરી છે.

  ઘટનાની વિગતે વાત કરીએ તો લખનઉના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ડો. સૌરભ રાયે સોમવારે સવારે 6:05 વાગ્યાની ઇન્ડિગો એરલાઇનના વિમાન નંબર 6E-541માં સવાર થઈને લખનઉથી બેંગલુરુ જવાનું હતું. પરંતુ વિમાનમાં મચ્છર હોવાની ફરિયાદ કરવામાં આવતા તેમની સાથે એરલાઇનના કર્મચારીઓએ ગેરવર્તન કર્યું હતું. ડોક્ટરનું માનીએ તો અનેક મુસાફરોએ આ અંગેની ફરિયાદ ક્રૂ મેમ્બર્સને કરી હતી. ડોક્ટર રાયે હાજર એર હોસ્ટેસ સોનાલીને કહ્યું કે મચ્છરોના કરડવાથી બાળકો બીમારી પડી શકે છે, આ માટે તેમને ભગાડવા માટે સ્પ્રે છાંટવામાં આવે.

  આ વચ્ચે એરલાઇન્સના સુરક્ષા વિભાગના અડધો ડઝન જેટલા કર્મચારીઓ આવ્યા હતા અને ડોક્ટર રાયને બહાર કાઢીને તેમનો સામાન ફેંકી દીધો હતો. બીજા મુસાફરો દ્વારા આ અંગેનો બનાવવામાં આવેલો વીડિયો પણ ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.

  આ અંગે એરલાઇન્સ તંત્રનું કહેવું છે કે ડો. સૌરભ રાય અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમણે વિમાનને હાઇઝેક કરવા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ ફરી એકવાર ઇન્ડિગો એરલાઇન્સ ચર્ચામાં છે.

  જેટ ફ્લાઇટમાં મચ્છરોને કારણે હંગામો

  લખનઉના જ અન્ય એક કેસમાં જેટ એરવેઝના મુસાફરોએ ફ્લાઇટમાં મચ્છરો હોવાની ફરિયાદ કરી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મુસાફરો મચ્છરોથી પરેશાન લાગી રહ્યા છે. વિવાદ આગળ વધતા એરલાઇન્સે માફી માંગી લીધી હતી.  Published by:Vinod Zankhaliya
  First published: