નવી દિલ્હી : દેશમાં તંત્ર અત્યારે કોરોના વાયરસ (Coronavirus)ના ચેપને પ્રસરતો રોકવામાં કામે લાગ્યું છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર લોકોને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) રાખવાની અપીલ કરી રહ્યા છે. આ માટે લૉકડાઉન (Lockdown) સહિતના અનેક પ્રભાવી પગલાં લેવામાં આવ્યા છે. જોકે, સોશયિલ ડિસ્ટન્સ (સામાજિક અંતર)ની એક બીજુ તસવીર પણ સામે આવી છે. ઇન્ડિગો એરલાઇન્સમાં ક્રૂ મેમ્બર રહેલી એક મહિલાએ સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની આપવીતી શેર કરી છે.
ઇન્ડિગો એરલાઇન્સમાં કામ કરતી એક યુવતીએ વીડિયો સંદેશ શેર કર્યો છે. તેણીએ વીડિયો સંદેશ પોસ્ટ કરીને કહ્યું છે કે, જ્યારે તે કામ પર જાય છે ત્યારે સોસાયટીના લોકો તેની માતાને પ્રતાડિત કરે છે. એરલાઇન્સ સાથે જોડાયેલા મામલાઓનું રિપોર્ટિંગ કરતા તરુણ શુક્લાએ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ક્રૂ મેમ્બર આપવીતી જણાવતી વખતે રડી પડે છે. તેણી કહે છે કે, "પહેલા તો સોસાયટીના લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે હું કોરોના પોઝિટિવ છું. આ ખરેખરે અસત્ય છે."
પોલીસ સાથ ન આપતી હોવાનો આક્ષેપ
વીડિયોમાં ક્રૂ મેમ્બરે દાવો કર્યો છે કે બદમાશો ઘરે આવીને ધમકી આપી રહ્યા છે કે મા-દીકરી બંનેને બહાર કાઢી મૂકીશું. મને કોરોનાના કોઈ લક્ષણો નથી તો પણ આવું થઈ રહ્યું છે. માની લો કે કોઈ કોરોના વાયરસનો શિકાર બન્યો છે તો પણ શું તેની સાથે આવું વર્તન યોગ્ય છે? આરોપ છે કે ફરિયાદ છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી.
આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 1-9 અને 11નાં વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી, સરકારની મોટી જાહેરાત
માતાને સામાન ખરીદવા નથી દેવાતો
વીડિયોમાં ક્રૂ મેમ્બર કહે છે કે, "હું અને મારી માતા બંને સાથે રહીએ છીએ. હું જ્યારે નોકરીમાંથી પરત આવું છું ત્યારે માતાની મદદ કરું છું. તેણી સામાન ખરીદવા માટે બહાર નથી નીકળી શકતી. કારણ કે લોકો એવું કહીને તેને સામાન નથી આપતા કે તારી દીકરીને કોરોના થયો છે, તો તને પણ થઈ ગયો હશે. તમે લોકો કોરોનાનો ફેલાવો કરો છો. મારી પ્રાર્થના છે કે મારી માતાને આવી રીતે પ્રતાડિત કરવામાં ન આવે."
ક્રૂ મેમ્બર કહે છે કે, "મારી તમને બધા લોકોને પ્રાર્થના છે કે લોકોને આ અંગે જાગૃત કરવામાં આવે કે બહાર અમારી તપાસ થાય છે અને અંદર પણ. અમે તમારા કરતા વધારે સુરક્ષિત છીએ. અમે લોકો તમારા કરતા વધારે ધ્યાન રાખીએ છીએ, અમને બહુ સારી રીતે ખબર હોય છે કે શું કરવું અને શું ન કરવું."
ક્રૂ મેમ્બર આગળ કહે છે કે, "મહેરબાની કરીને અમને પરેશાન કરવાનું બંધ કરો. જો કોરોનાના લક્ષણો હોય તો હું હૉસ્પિટલમાં જતી, નોકરી પર નહીં. મારી વિનંતી છે કે આવી હાલતમાં અફવા ન ફેલાવો. મને કોરોના નથી."