'સર, મારી બહેનનું પેપર છે અને ટ્રેન અઢી કલાક મોડી છે,' યુવકના ટ્વીટ બાદ ફૂલ સ્પીડમાં દોડી ગાડી
'સર, મારી બહેનનું પેપર છે અને ટ્રેન અઢી કલાક મોડી છે,' યુવકના ટ્વીટ બાદ ફૂલ સ્પીડમાં દોડી ગાડી
ઇનસેટમાં યુવકે કરેલું ટ્વીટ.
Chhapra Varanasi city express: ટ્રેનમાં સવાર વિદ્યાર્થિનીના ભાઈના એક ટ્વીટ બાદ રેલવેએ સ્પીડ વધારી અને વિદ્યાર્થિનીને સમયસર પહોંચાડી જેનાથી તેણી પરીક્ષા આપી શકી.
નવી દિલ્હી: "સર, મારી બહેનને પેપર છે, પરંતુ જે ટ્રેનમાં તેનું રિઝર્વેશન છે તે અઢી કલાક મોડી ચાલી રહી છે. આથી તેનું પેપર છૂટી શકે છે." મઉના એક યુવકે બુધવારે સવારે ભારતીય રેલવે (Indian Railway)ને આવું ભાવુક ટ્વીટ કર્યું હતું. પછી શું? થોડીવારમાં ટ્રેનની સ્પીડ (Train speed) વધી ગઈ હતી અને ટ્રેન ફટાફટ વારાણસી (Varanasi) પહોંચી ગઈ હતી. આ કારણે ટ્રેનની અંદર મુસાફરી કરી રહેલી વિદ્યાર્થિની સમયસર કૉલેજ પહોંચીને પરીક્ષા (Exam) આપી શકી હતી. આ પ્રશંસનીય કામ માટે વિદ્યાર્થિની અને તેના ભાઈએ રેલવેને વળતો જવાબ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટ્રેન મોડી પડવાના અનેક સમાચાર આવતા જ રહે છે. આ જ કારણે અનેક વખત કનેક્ટિંગ ટ્રેન છૂટી જાય છે. ક્યારેય જે જરૂરી કામ માટે જવાનું હોય છે તે નથી થઈ શકતું. ટ્રેન મોડી પડવાને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂકી ગયા હોય તેવા બનાવો પણ બનતા રહે છે. જોકે, વારાણસીમાં બુધવારે આનાથી ઉલટો જ બનાવ સામે આવ્યો છે. અહીં ટ્રેન મોડી ચાલી રહી હોવાથી ટ્રેનમાં સવાર એક વિદ્યાર્થિનીને ડર સતાવવા લાગ્યો હતો કે તેણી કદાચ પરીક્ષા ચૂકી જશે. જોકે, વિદ્યાર્થિનીના ભાઈના એક ટ્વીટથી રેલવેએ ટ્રેનની ઝડપ વધારી દીધી હતી અને વિદ્યાર્થિની સમયસર પરીક્ષા આપી શકી હતી.
ગાઝીપુરની નાઝિયા તબસ્સુમની બેંકની પરીક્ષાનું કેન્દ્ર વારાણસીની વલ્લભ વિદ્યાપીઠ બાલિકા ઇન્ટર કૉલેજમાં આવ્યું હતું. બુધવારે બપોરે પરીક્ષા હતી. નાઝિયાને છપરા વારાણસી સિટી એક્સપ્રેસમાં મઉથી રિઝર્વેશન કરાવ્યું હતું. મઉ ખાતે ટ્રેન સવારે 6:25 વાગ્યે પહોંચવાની હતી પરંતુ ટ્રેન બે કલાક અને 53 મિનિટ લેટ હતી. ટ્રેન 9:18 વાગ્યે મઉ પહોંચી હતી. આથી નાઝિયાના ભાઈ અનવર જમાલે રેલવેને ટ્વીટ કર્યું હતું અને તેની બહેનની પરીક્ષા છૂટી જશે તેવી માહિતી આપી હતી. બહેને બપોરે 12 વાગ્યે પરીક્ષા હતી. ટ્વીટ મળતા જ રેલવેએ તેણીનો મોબાઇલ નંબર માંગ્યો હતો અને વ્યવસ્થા કરી હતી.
Train is delayed by 02:27 hrs. And my sister's exam will start from 12 O'clock in Varanasi.
So please help to reach.
Train No. 05111
PNR. 2215697237@RailwaySevapic.twitter.com/Ww4Mi5vuRn
રેલવે તરફથી નાઝિયાનો મોબાઇલ નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેણીની પરીક્ષા અંગે માહિતી મેળવવામાં આવી હતી. આ સાથે જ તેણીની સમયસર પહોંચાડી દેવામાં આવશે તેવો ભરોસો પણ આપ્યો હતો. જેના પગલે મઉ ત્રણ કલાક મોડી પહોંચેલી ટ્રેન ફક્ત બે જ કલાક લેટ ચાલીને 11 વાગ્યે વારાણસી સિટી પહોંચી ગઈ હતી. પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને અનવરે રેલવેને ફરીથી ટ્વીટ કરીને આભાર માન્યો હતો. આ અંગે રેલવે તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે નિયમ પ્રમાણે વિદ્યાર્થિનીની મદદ કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર