દુબઇ : દુબઇમાં રહેતું ભારતીય મૂળનું એક યુગલ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં સહેજ માટે બચી ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રીલંકામાં 21મી એપ્રિલના રોજ આઠ જગ્યાએ બ્લાસ્ટ થયા હતા, જેમાં કોલંબોની સિનામોન ગ્રાન્ડ હોટલને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી.
અભિનવ ચારી અને તેની પત્ની નવરૂપ ચારી બિઝનેસ ટ્રીપના સંદર્ભમાં શ્રીલંકા ગયા હતા. બંને જે હોટલમાં બ્લાસ્ટ થયો તેમાં જ રોકાયા હતા. ગલ્ફ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ થયો ત્યારે હોટલમાં રોકાયેલા મહેમાનોને નાસ્તો આપવામાં આવી રહ્યો હતો.
અભિનવ અને નવરૂપનો ઉછેર દુબઈમાં જ થયો છે. અભિવને ગલ્ફ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તે બે વખત યુએઈની બહાર ગયો છે. જ્યારે પણ બહાર ગયો છે ત્યારે તેણે ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. બંને વખતે આતંકવાદ સંબંધીત ઘટનાઓ ઘટી હતી.
અભિનવે 2008ના વર્ષમાં પ્રથમ વખત આવો અનુભવ કર્યો હતો, જ્યારે મુંબઈમાં પાકિસ્તાનમાંથી આવેલા આતંકીઓએ કાળોકેર વર્તાવતા ગોળીબાર અને બ્લાસ્ટ કર્યા હતા.
અભિનવ કહે છે કે, "હું 2008ના વર્ષમાં મેડિસિનના અભ્યાસ માટે મુંબઈમાં હતો. મારો એ પાંચ-છ દિવસનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો હતો."
શ્રીલંકાના અનુભવ વિશે વાત કરતા અભિનવ કહે છે કે, "ઇસ્ટરના દિવસે અમે ચર્ચમાં ગયા હતા. પરંતુ થોડીવારમાં પાદરીએ હાજર તમામ લોકોને ચર્ચ છોડી દેવાનો આદેશ કર્યો હતો. સર્ચ છોડ્યા બાદ અને ટેક્સી પકડી હતી અને નાસ્તો કરવા માટે ગયા હતા. અને રસ્તામાં સારી હોટલની શોધખોળ કરી હતી પરંતુ અંતે અમારી હોટલ ખાતે જ જવાનો નિર્ણય કર્યો હતો. અમે જ્યારે હોટલ ખાતે પહોંચ્યા ત્યારે બધા લોકો બહાર લોનમાં ઉભા હતા. અમને એવું લાગ્યું કે સુરક્ષા માટે આવું કરવામાં આવ્યું હશે."
નવરૂપ ચારીએ ગલ્ફ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "અમને આટલો ભયંકર હુમલો થયો હતો તેનો અંદાજ જ ન હતો. અમારી સામે જે થયું હતું તેના પર અમે વિશ્વાસ જ કરી શકતા ન હતા. આ એક ફિલ્મ જેવું હતું."
ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં ઇસ્ટર પર થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 253 લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે, જ્યારે 500 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દસકા પહેલા સિવિલ વોર પૂરું થયા બાદ શ્રીલંકામાં થયેલો આ સૌથી ભયંકર હુમલો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર