3 ભારતીયોના મૃતદેહ દિલ્હીથી અબુ ધાબી પરત મોકલાતાં UAE ખાતેના ભારતીય રાજદૂત ‘આઘાત’માં

3 ભારતીયોના મૃતદેહ દિલ્હીથી અબુ ધાબી પરત મોકલાતાં UAE ખાતેના ભારતીય રાજદૂત ‘આઘાત’માં
યૂએઈ ખાતેના ભારતીય એમ્બેસેડર પવન કપૂર

કોરોના વાયરસના સંક્રમણથી મોત ન થયું હોવા છતાંય 3 ભારતીયોના મૃતદેહ પરત UAE મોકલાયા

 • Share this:
  નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)થી મોકલવામાં આવેલા 3 ભારતીયોના મૃતદેહોને ભારતે પરત મોકલી આપતાં યૂએઈ ખાતેના ભારતીય એમ્બેસેડર પવન કપૂર (Pavan Kapoor) આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શનિવારે 3 ભારતીયોના મૃતદેહોને ભારત ખાતે રહેતા તેમના પરિવારોને મોકલવામાં આવ્યા હતા જેથી તેમના અંતિમ સંસ્કારની વિધિ કરી શકાય પરંતુ ભારતે આ મૃતદેહોને પરત મોકલી આપતાં પવન કપૂરને નવાઈ લાગી રહી છે.

  ‘ગલ્ફ ન્યૂઝ’માં પ્રકાશિત અહેવાલ મુજબ, ત્રણ મૃતક કોરોના વાયરસથી પીડિત નહોતા. પરંતુ નવી દિલ્હી ખાતેની ઓથોરિટીએ તેમના મૃતદેહો સ્વીકારવાનો ઇન્કાર કરી યૂએઈ પરત મોકલી આપ્યા હતા.  ગલ્ફ ન્યૂઝ સાથે વાત કરતાં પવન કપૂરે જણાવ્યું કે, અમને જાણ નથી કે મૃતદેહોને કોરોના વાયરસ સંબંધિત પ્રતિબંધોને કારણે પરત મોકલવામાં આવ્યા છે કે કોઈ બીજા કારણથી. આ ઘટનાથી અમને ઘણો આઘાત લાગ્યો છે. પવન કપૂરે વધુમાં જણાવ્યું કે, અમને જાણ છે કે જો કોઈ કોરોનાથી મૃત્યુ પામ્યું હોય તો અમે તેના મૃતદેહ ભારત ન જ મોકલીએ. તેમણે ઉમેર્યું કે, અમારી ધારણા મુજબ એરપોર્ટ ખાતે લાગુ કરવામાં આવેલા નવા પ્રોટોકોલના કારણે આવું બન્યું છે અને અમે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.

  ત્રણ મૃતકોની ઓળખ કમલેશ ભટ્ટ, સંજીવ કુમાર અને જગસીર સિંહ તરીકે થઈ છે. કમલેશ ભટ્ટનું અવસાન કાર્ડિયાક એરસ્ટના કારણે 17 એપ્રિલે થયું હતું. જ્યારે સંજીવ કુમાર અને જગસીર સિંહનું અવસાન 13 એપ્રિલે થયું હતું.

  સામાન્ય રીતે આવા કિસ્સામાં જે-તે કંપની તરફથી કાર્ગો દ્વારા મૃતકના મૃતદેહે તેના પરિવારને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પવન કપૂરે આ સંદર્ભમાં જણાવ્યું કે, જો એરપોર્ટ પ્રોટોકોલ બદલાઈ ગયા છે તો તેનો અર્થ એ છે કે કાર્ગો કંપનીઓએ ક્લિયરન્સ મામલે વધુ તકેદારી રાખવી જોઈએ.

  આ પણ વાંચો, કોરોનાના દર્દીની સંખ્યા પર આશંકા, ICMR અને NCDCના આંકડામાં ભારે અંતર

  બીજી તરફ, ભારત સરકારે શનિવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે, ઈમિગ્રેશન ઈસ્યૂને કારણે કમલેશ ભટ્ટના મૃતદેહને દિલ્હીથી પરત અબુ ધાબી મોકલી આપવામાં આવ્યો છે. ભારત સરકાર તરફથી રજૂઆત કરતાં એડિશનલ સોલિસિટર જનરલ મનીન્દર આચાર્યએ જણાવ્યું કે, આવા પ્રકારના વિશેષ કિસ્સાઓને ધ્યાને લઈ ગૃહ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એક સ્ટાન્ડર્ડ પ્રોસેસ નિયત કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવા પ્રકારના મામલામાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય.

  ઉલ્લેખનીય છે કે, સમગ્ર દુનિયામાં કોરોનાની મહામારીના કારણે એરપોર્ટ ખાતે સામાન અને પેસેન્જરોની અવર-જવર પર આકરા પ્રતિબંધ લગાવ્યા છે. જેના કારણે ત્રણ ભારતીયોના મૃતદેહોને પણ પરત અબુ ધાબી મોકલવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, ભારતમાં 20 મે સુધીમાં ખતમ થઈ શકે છે કોરોના વાયરસઃ સિંગાપુર યુનિવર્સિટીનું રિસર્ચ
  Published by:News18 Gujarati
  First published:April 27, 2020, 09:26 am

  ટૉપ ન્યૂઝ