ચીનની સામે જ ભારતીય અધિકારી કરી રહી હતી ટીકા, અચાનક બંધ થયો માઈક, જાણો સંપૂર્ણ મામલો

ભારતીય અધિકારી પ્રિયંકા સોહની (Twitter)

ભારતે ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ (BRI) અને સીપેક (CPEC) પ્રોજેક્ટનો તીવ્ર વિરોધ કર્યો. આ વાત 14થી 16 ઓક્ટોબર વચ્ચેની છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં અચાનક માઈકમાં ગડબડ થતાં વિચિત્ર સ્થિતિ પેદા થઈ.

 • Share this:
  બેઈજિંગ. ગયા અઠવાડિયે બીજા ‘સંયુક્ત રાષ્ટ્ર પરિવહન સંમેલન’ (United Nations transport conference)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન એક અજીબ ઘટના જોવા મળી. મીડિયા રિપોર્ટ મુજબ, સંમેલનમાં ભારતે ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ (BRI) અને સીપેક (CPEC) પ્રોજેક્ટનો તીવ્ર વિરોધ કર્યો. જે સમયે ભારતીય અધિકારી પ્રિયંકા સોહની (Priyanka Sohni) પોતાનું ભાષણ આપી રહી હતી, એ જ સમયે તેમનો માઈક અચાનક બંધ થઈ ગયો અને મોટા સ્ક્રીન પર પછીના પ્રતિનિધિને સ્પીચ માટે બોલાવવામાં આવ્યા.

  શું અવાજ દબાવવાનો પ્રયત્ન હતો?
  આ વાત 14થી 16 ઓક્ટોબર વચ્ચેની છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં અચાનક માઈકમાં ખામી સર્જાતાં અજીબ સ્થિતિ પેદા થઈ ગઈ. પછી એને ટેક્નીકલ ગ્લીચ કહેવામાં આવી જેને બરાબર કરવામાં ઘણી મિનિટો નીકળી ગઈ. જોકે, અમુક વર્તુળોમાં આ ઘટનાને ચીન તરફથી જાણીજોઈને ભારતનો અવાજ દબાવવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહી છે. જોકે, જ્યારે આ ટેક્નીકલ ગ્લીચ આવી તો યુએન અન્ડર સેક્રેટરી જનરલ અને ચીનના પૂર્વ ઉપ વિદેશ મંત્રી લિયૂ ઝેનમિને આ વાત પર ધ્યાન આપ્યું. તેમણે ભારતીય રાજનીતિક અને ભારતીય દૂતાવાસમાં દ્વિતીય સચિવ પ્રિયંકા સોહનીને પોતાનું ભાષણ ચાલુ રાખવાની અપીલ કરી.

  ચીનના પૂર્વ ઉપવિદેશ મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો
  કોન્ફરન્સ રૂમમાં સાઉન્ડ સિસ્ટમ બગડી ગયા બાદ ઝેનમિને કહ્યું, ‘પ્રિય સહભાગીઓ, અમને દુઃખ છે. અમે ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પછીના સ્પીકરનો વિડીયો શરુ કરી નાખ્યો એ માટે મને ખેદ છે.’ ત્યારબાદ તેમણે સોહનીને પોતાનું ભાષણ ચાલુ રાખવાની અપીલ કરી. તેમણે સોહનીને કહ્યું, ‘તમે ભાગ્યશાળી છો. તમારું ફરી સ્વાગત છે.’ ત્યારબાદ સોહનીએ કોઈ વિક્ષેપ વગર પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.

  ભારતીય અધિકારીએ શું કહ્યું?
  સોહનીએ કહ્યું, ‘અમે ભૌતિક સંપર્ક વધારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની ઈચ્છા દર્શાવીએ છીએ. અમારું માનવું છે કે આ સમાન અને સંતુલિત રીતે બધા માટે વ્યાપક આર્થિક લાભ લઈને આવશે.’ તેમણે કહ્યું, ‘આ સંમેલનમાં બીઆરઆઈનો કંઈક ઉલ્લેખ છે. અહીં હું કહેવા માગીશ કે જ્યાં સુધી ચીનના બીઆરઆઈની વાત છે, અમે તેનાથી અસમાન રીતે પ્રભાવિત થયા છીએ. કથિત ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)માં તેને સામેલ કરવું ભારતના સાર્વભૌમત્વમાં દખલગીરી કરવા જેવું છે.’

  પાકિસ્તાને બાંધ્યા પ્રશંસાના પુલ
  BRIનો ઉદ્દેશ ચીનનો પ્રભાવ વધારવાનો અને દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય એશિયા, ખાડી ક્ષેત્ર, આફ્રિકા અને યુરોપના જમીન તેમજ સમુદ્રી માર્ગના નેટવર્કથી જોડવાનો છે. સોહનીએ કહ્યું, ‘કોઈ પણ દેશ આવી કોઈ પહેલનું સમર્થન નથી કરી શકતો, જે સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતા પર તેની મૂળ ચિંતાઓને જ નજરઅંદાજ કરે.’ સોહનીથી કેટલાંક વક્તાઓ પહેલા એક પાકિસ્તાની રાજદ્વારીએ BRI અને CPECની પ્રશંસાના પુલ બાંધ્યા હતા. તેને ક્ષેત્ર માટે નિર્ણાયક કહેવામાં આવ્યું.

  તો ભારતીય ડિપ્લોમેટના ભાષણ બાદ ચીની પરિવહન મંત્રી લી શિયોપેન્ગે સોહની તરફથી થયેલી ટીકાનો જવાબ આપતાં કહ્યું કે, ‘જ્યારે ભારતીય પ્રતિનિધિ બોલી રહ્યા હતા ત્યારે એ સમયે સર્જાયેલી ટેકનીકલ ખામીને લીધે હું માફી માગવા ઈચ્છું છું.’
  Published by:Nirali Dave
  First published: