નવી દિલ્હી/લદાખઃ પૂર્વ લદાખ (Ladakh Dispute)માં સ્થિત ચુશૂલમાં ભારત અને ચીન (India-China Faceoff)ના સૈનિક ફરીથી સામ-સામે આવી ગયા છે. ચીન તરફથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ત્રણ દિવસમાં બે વાર ઘૂસણખોરોના નિષ્ફળ પ્રયાસ બાદ સ્થિતિ ખૂબ તણાવપૂર્ણ થઈ ગઈ છે. બ્રિગેડિયર કમાન્ડર સ્તરની વાતચીતની વચ્ચે ચીની સૈનિકોએ 29-30 ઓગસ્ટની રાત્રે, પછી 31 ઓગસ્ટની રાત્રે લદાખમાં બે સ્થળો પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. દરેક વખતે ચીનને પોતાની પ્રયાસમાં નિષ્ફળતા મળી. આ દરમિયાન ચીનનું સૌથી વધુ ફોક્સ બ્લેક ટૉપ (Black Top) છે. ભારતીય સેના (Indian Army)એ અહીં ચીની સૈનિકોના જાસૂસી ઉપકરણો ઉખાડીને ફેંકી દીધા છે.
ભારતીય સેનાના સ્પેશલ કમાન્ડોઝે દક્ષિણ પેન્ગોગ લેકની પાસે બ્લેક ટૉપની પહાડીઓને પોતાના કબજામાં લઈ લીધી છે. બીજી તરફ, ચીની સેનાને જવાબ આપવા માટે પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર બ્લેક ટૉપના વિસ્તારમાં ભારતીય સેનાએ T-90 ટેન્કની રેજિમેન્ટ એક્ટિવ કરી દીધી છે, જ્યારે ચીને પહાડો પર લડવા માટે ઉપયોગી હળવી ટેન્ક T-15ને લદાખમાં ખાસ તૈનાત કરી છે. ભારતીય સેનાની પાસે જે T-90 યુદ્ધ ટેન્ક છે, તે યુદ્ધભૂમિમાં બેજોડ છે.
તાજેતરનો જે વિવાદ થયો છે તે પેન્ગોગ લેકનો દક્ષિણ હિસ્સામાં થયો છે. આ વિવાદાસ્પદ વિસ્તાર બ્લેક ટૉપ પહાડીની નજીક છે, જે ચુશૂલથી 25 કિમી પૂર્વમાં છે. બ્લેક ટૉપ પર જોકે ચીનનું નિયંત્રણ છે, પરંતુ અહીં ભારતીફ સેનાની હાજરીએ તેને પરેશાન કરી દીધું છે. બ્લેક ટૉપની ઊંચાઈથી લગભગ 100 મીટર નીચે ચીની ટેન્ક સ્પષ્ટ જોઈ શકાય છે. ચીની સેનાએ તેને કોઈ પણ એક્શન માટે તૈયાર રાખી છે. બીજી તરફ, ભારતીય સેના એન્ટી ટેન્ક મિસાઇલ સ્પાઇક સિસ્ટમથી સજ્જ છે એટલે કે ઈશારો મળતાં જ T-15 ટેન્કનો ખાતમો બોલાવી દેવામાં આવશે.
બીજી તરફ, ચુશૂલ ક્ષેત્ર એક એવો વિસ્તાર છે જેનો ઉપયોગ હુમલો કરવા માટે લૉન્ચ પેડ તરીકે કરવામાં આવી શકે છે. કારણ કે અહીં ઘણી જમીન સમતળ છે. જે સૈન્ય ગતિવિધિઓ માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. 1962ના યુદ્ધ દરમિયાન ચીને પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ બંને હિસ્સાનો ઉપયોગ ભારતની વિરુદ્ધ કર્યો હતો અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર