Home /News /national-international /યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં મદદ કરવા ભારત તૈયાર - જર્મન ચાન્સેલર સાથે મુલાકાતમાં બોલ્યા પીએમ મોદી
યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં મદદ કરવા ભારત તૈયાર - જર્મન ચાન્સેલર સાથે મુલાકાતમાં બોલ્યા પીએમ મોદી
વડાપ્રધાન મોદી સાથે જર્મન ચાન્સેલર સ્કોલ્ઝની મુલાકાત
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત અને કૂટનીતિ દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ શોધવાની વાત કરતા કહ્યુ કે ભારત કોઈપણ શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા તૈયાર છે. જર્મનીના ચાન્સેલર શનિવારે બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. ડિસેમ્બર 2021માં જર્મનીના ચાન્સેલર બન્યા બાદ સ્કોલ્ઝની આ પ્રથમ ભારત મુલાકાત છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે શનિવારે સ્વચ્છ ઉર્જા, વેપાર, સંરક્ષણ અને નવી ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી. આ દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા શોધવાની જરૂર હોવાની વાત જણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ભારત કોઈપણ શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા માટે તૈયાર છે.
આ બેઠકમાં ભારત અને જર્મની વચ્ચે રશિયા-યુક્રેન સંઘર્ષ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ફિનટેક, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેલિકોમ્યુનિકેશન અને સપ્લાય ચેઈન ડાઈવર્સિફિકેશન, ક્લિન એનર્જી જેવા ક્ષેત્રોમાં મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. સ્કોલ્ઝ સાથેની આ મુલાકાત બાદ સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ‘કોવિડ મહામારી અને યુક્રેન સંઘર્ષની અસર સમગ્ર વિશ્વમાં અનુભવાઈ છે. ખાસ કરીને વિકાસશીલ દેશો પર તેની નકારાત્મક અસર પડી છે. અમે આ અંગે અમારી સામાન્ય ચિંતા વ્યક્ત કરી છે.’
‘ભારત રશિયા-યુક્રેન વચ્ચેની કોઈપણ શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા તૈયાર’ વડાપ્રધાને કહ્યુ હતુ કે, અમે સહમત છીએ કે આ સમસ્યાઓનો ઉકેલ સંયુક્ત પ્રયાસોથી જ શક્ય છે અને G20ની અધ્યક્ષતા દરમિયાન પણ ભારત આ દિશામાં કામ કરશે. તેમણે કહ્યુ હતુ કે, ‘યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી જ ભારતે આ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ કર્યો છે. ભારત કોઈપણ શાંતિ પ્રક્રિયામાં સહયોગ આપવા તૈયાર છે.’
ત્યારે જર્મનીના ચાન્સેલર સ્કોલ્ઝે કહ્યુ હતુ કે, અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે એશિયા, આફ્રિકા, અમેરિકાના દેશો પર આક્રમક યુદ્ધની નકારાત્મક અસર ન પડે. તેમણે કહ્યુ હતુ કે, ‘યુક્રેનમાં યુદ્ધે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ગ્રીડનો નાશ કર્યો છે. આ એક આપત્તિ છે. રશિયન આક્રમણના પરિણામોથી વિશ્વ પ્રભાવિત થઈ રહ્યું છે. શોલ્ઝે કહ્યુ હતુ કે, યુદ્ધથી મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન થયા છે તેનાથી અમે પણ સહમત છીએ, તમે હિંસા વાપરીને દેશની સરહદને બદલી શકતા નથી.
જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ ભારતની પહેલી મુલાકાતે
ઉલ્લેખનીય છે કે, જર્મનીના ચાન્સેલર શનિવારે ભારતની બે દિવસીય મુલાકાત માટે પહોંચ્યા છે. એન્જેલા મર્કેલના 16 વર્ષના ઐતિહાસિક કાર્યકાળ બાદ ડિસેમ્બર, 2021માં જર્મનીના ચાન્સેલર બન્યા બાદ સ્કોલ્ઝની આ પહેલી ભારત યાત્રા છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, ‘ચાન્સેલર સ્કોલ્ઝ સાથે આજે કારોબારી શિષ્ટમંડળ અને ભારતીય ઉદ્યોગપતિઓ વચ્ચે એક સફળ બેઠક થઈ હતી અને કેટલાક સારા કરાર અને મહત્ત્વપૂર્ણ કરાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ડિજિટલ પરિવર્તન, ફિનટેક, સૂચના પ્રાદ્યોગિકી, દૂરસંચાર અને આપૂર્તિ શ્રૃખંલાના વિવિધિકરણ જેવા વિષય પર બંને દેશના પ્રમુખ ઉદ્યોગપતિઓના ઉપયોગી વિચાર અને અભિપ્રાય પણ મળ્યા.’
આતંકવાદ સામેની લડાઈમાં પણ ભારત અને જર્મની એકસાથે
વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે, આતંકવાદ અને અલગાવવાદ સામેની લડાઈમાં પણ ભારત અને જર્મની વચ્ચે સક્રિય સહયોગ છે. તેમણે કહ્યુ હતુ કે, ‘બંને દેશ આ વાત સાથે સહમત છે કે સીમાપાર આતંકવાદને સમાપ્ત કરવા માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.’
વડાપ્રધાને કહ્યુ કે, ‘અમે એ વાત પર પણ સંમત થયા છીએ કે, વૈશ્વિક વાસ્તવિકતાઓને સારી રીતે દર્શાવવા માટે બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારો લાવવા માટે જી-4 અંતર્ગત અમારી ભાગીદારીથી તે સ્પષ્ટ છે.’
ઉલ્લેખનીય છે કે, જી-4 સમૂહનો ઉદ્દેશ્ય ભારત, જાપાન, જર્મની અને બ્રાઝિલ સાથે છે કે જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિસ્તરણની વાત પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે આજે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનની કારણે ભારતમાં દરેક ક્ષેત્રે નવી તક ઊભી થઈ છે અને આ તક માટે જર્મની રસ લે છે તે વાત જાણીને અમને પણ ઉત્સાહ છે. તેમણે કહ્યુ હતુ કે, ‘ભારત અને જર્મની ત્રિકોણીય વિકાસ સહયોગ અંતર્ગત ત્રણ દેશોના વિકાસ માટે અંદરોઅંદર સહયોગ વધારી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા લોકોના એકબીજા સાથેના સંબધ વધુ ગાઢ બની ગયા છે.’
ભારત અને જર્મની વચ્ચે વધતો સહયોગ બંને માટે ફાયદાકારક
PM મોદીએ કહ્યુ કે, ગયા વર્ષે મારી જર્મનીની મુલાકાત દરમિયાન અમે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એલાયન્સની જાહેરાત કરી હતી અને આ દ્વારા ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ધ્યેયોના ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે. તેમણે કહ્યુ કે, સુરક્ષા અને સંરક્ષણ સહયોગ અમારી વ્યૂહાત્મક ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે અને અમે આ ક્ષેત્રમાં અપ્રયોગી સંભવિતતાને પૂર્ણપણે સાકાર કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.’
વડાપ્રધાને કહ્યુ કે, વિશ્વની બે સૌથી મોટી લોકતાંત્રિક અર્થવ્યવસ્થાઓ વચ્ચે વધતો સહકાર બંને દેશોના લોકો માટે ફાયદાકારક છે અને આજના તણાવગ્રસ્ત વિશ્વમાં સકારાત્મક સંદેશ પણ આપે છે. ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને એકબીજાના હિતોની ઊંડી સમજણ પર આધારિત છે અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક આદાનપ્રદાનનો લાંબો ઈતિહાસ પણ છે.
અગાઉ જર્મન ચાન્સેલર સ્કોલ્ઝે ભારત આગમન પર રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ચાન્સેલર સ્કોલ્ઝ રવિવારે સવારે બેંગલુરુ જવા રવાના થશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમના ટ્વિટમાં જણાવ્યું હતું કે, ચાન્સેલર સ્કોલ્ઝની મુલાકાત બહુપક્ષીય ભારત-જર્મન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તક પૂરી પાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનું દ્વિપક્ષીય વાટાઘાટો માટે સ્વાગત કર્યું. આમાં, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, હરિયાળી અને ટકાઉ વિકાસ જોડાણો અને આર્થિક જોડાણો અને સંરક્ષણ ક્ષેત્રમાં ગાઢ સંબંધો બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર