પાકિસ્તાનની મસ્જિદમાં હુમલાને લઈને ભારત સરકારની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...
પાકિસ્તાનની મસ્જિદમાં હુમલાને લઈને ભારત સરકારની પ્રતિક્રિયા
ભારતે પાકિસ્તાન (Pakistan)ના પેશાવરમાં પોલીસ લાઈન પાસે મસ્જિદ પર થયેલા આતંકવાદી હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. વિદેશ મંત્રાલયના (Ministry of External Affairs) પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, પેશાવરમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે ભારત ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.
નવી દિલ્હી: ભારતે મંગળવારે પાકિસ્તાનના પેશાવર શહેરમાં થયેલા આતંકવાદી હુમલાની (Terrorist Attack) સખત નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સોમવારે થયેલા આ હુમલામાં 93 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ ઘાયલ થયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારત હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. બાગચીએ એક ટ્વીટમાં કહ્યું કે, 'ભારત પેશાવરમાં ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. અમે આ હુમલાની સખત નિંદા કરીએ છીએ જેમાં ઘણા લોકોના જીવ ગયા છે'
પેશાવરની એક મસ્જિદમાં બપોરે નમાજ દરમિયાન આત્મઘાતી બોમ્બરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. તે સમયે મસ્જિદ નમાઝ અદા કરતા લોકોથી ભરેલી હતી. પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હુમલાની જવાબદારી લીધી છે. સ્થાનિક સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કુલ 93 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 221 લોકો ઘાયલ થયા હતા.
પોલીસકર્મીઓ પણ હુમલાનો ભોગ બન્યા
પોલીસ લાઇન મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે સમયે લગભગ 300-400 પોલીસ કર્મચારીઓ મસ્જિદમાં હાજર હશે. તે જ સમયે, પોલીસનું માનવું છે કે આ હુમલા માટે 10-15 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. પોલીસ તપાસ કરી રહી છે કે, આટલા મોટા જથ્થામાં વિસ્ફોટકો સાથે આતંકવાદીઓ પોલીસ લાઇનની અંદર કેવી રીતે પહોંચ્યા?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર