દેશમાં સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે 'કોવોવેક્સ', જુલાઈમાં બાળકો પર થઇ શકે છે ટ્રાયલ
દેશમાં સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે 'કોવોવેક્સ', જુલાઈમાં બાળકો પર થઇ શકે છે ટ્રાયલ
આદમ પૂનાવાલની ફાઇલ તસવીર
Vaccination in India: સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પુનાવાલાએ નોવાવેક્સની રસી 'કોવોવેક્સ' સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થઈ શકે તેવી આશા વ્યક્ત કરી છે.
કોરોના મહામારીને રોકવા માટે અત્યારે સૌથી અસરકારક હથિયાર રસીકરણ છે. વર્તમાન સમયે ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ, ભારત બાયોટેકમાં તૈયાર થયેલી કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક Vથી રસીકરણ અભિયાન હાથ ધરાયુ છે. જેમાં વધુ એક રસીનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પુનાવાલાએ નોવાવેક્સની રસી 'કોવોવેક્સ' સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થઈ શકે તેવી આશા વ્યક્ત કરી છે.
પૂનાવાલાનું કહેવું છે કે, કોવોવેક્સનું ટ્રાયલ પૂર્ણ થવા જઈ રહ્યું છે. CNBC TV18ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, જો રેગ્યુલેટરીની મંજૂરી મળી જાય તો કોવોવેક્સ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, ભારતમાં નોવાવેક્સની રસીના ટ્રાયલ નવેમ્બર સુધીમાં પુરા કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2020માં નોવાવાક્સે તેની રસી NVX-CoV2373 માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે ઉત્પાદન કરારની જાહેરાત કરી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEOએ માહિતી આપી હતી કે, દેશમાં ટ્રાયલનો તબક્કો પૂરો થાય તે પહેલાં જ કંપની વૈશ્વિક ડેટાના આધારે લાઇસન્સ માટે અરજી કરી શકે છે.
14 જૂને કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, NVX-CoV2373 રસીએ કોવિડ ઇન્ફેક્શનના મધ્યમ અને ગંભીર કેસોમાં 100% સંરક્ષણ બતાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રસીની અસરકારકતાનો દર સરેરાશ 90.4 ટકા હતો. અમેરિકા અને મેક્સિકોના જુદા જુદા 119 સ્થળોના 29,960 લોકો આ અભ્યાસમાં સામેલ છે. ભાષા અનુસાર, તાજેતરમાં જ નીતિ આયોગના સભ્ય વી કે પૌલે કહ્યું હતું કે, નોવાવેક્સની રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનાવવામાં આવશે.
કંપનીએ કહ્યું હતું કે, તેમની રસી વેરિયન્ટ ઓફ કન્સર્ન અને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ સામે 93 ટકા અસરકારકતા દર્શાવે છે. ફાર્મા કંપની જુલાઈ સુધીમાં બાળકો પર કોવોવેક્સના ટ્રાયલનો પણ વિચાર કરી રહી છે.
દેશમાં મહારસીકરણ અભિયાન શરૂ થયાને 150 દિવસ વીતી ગયા છે. 16 જૂન સવારે 7 વાગ્યા સુધીના સરકારી આંકડા દર્શાવે છે કે, દેશમાં અત્યાર સુધીમાં 29.19 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર