નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus India updates)ના 12,143 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 11,395 લોકો સાજા થાય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 103 લોકોનાં મોત થાય છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 1,08,92,746 કેસ નોંધાયા છે. જેમાંથી 1,06,00,625 લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કોરોનાને કારણે 1,55,550 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ કોરોનાના સક્રિય કેસ (Active cases)ની સંખ્યા 1,36,571 પર પહોંચી છે.
કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી દેશમાં 79,67,647 લોકોને રસી આપવામાં આવી છે. શુક્રવારે 7,43,614 લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.3 ટકા છે. જ્યારે મૃત્યાંક 1.4 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 20,55,33,398 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 12મી ફેબ્રુઆરીના રોજ દેશમાં કોરોના વાયરસના 7,43,614 ટેસ્ટ થયા હતા.
ગુજરાતમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 268 કેસ નોંધાયા છે. જેની સામે 281 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,400 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.67 ટકા છે. રાજયમાં શુક્રવારે 25,823 વ્યક્તિઓને કોરોનાની રસી (corona vaccination) આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7,67,611 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
આ પણ વાંચો: Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત પાંચમાં દિવસે વધારો, જાણો તમારા શહેરનો ભાવ
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 60, સુરતમાં 36, વડોદરામાં 53, રાજકોટમાં 46, આણંદમાં 8, ખેડા, જામનગર, ગાંધીનગરમાં 7-7 સહિત કુલ 268 કેસ નોંધાયા છે. આજે અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ડાંગ, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે.
બીજી તરફ અમદાવાદમાં 61, સુરતમાં 46, વડોદરામાં 41, રાજકોટમાં 45, દાહોદ, કચ્છમાં 10-10 સહિત કુલ 281 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 1767 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 28 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1739 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,58,2551 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.