નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ની ઝડપમાં કોઈ બ્રેક નથી લાગી રહી. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 30 લાખને પાર કરી જશે. ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં કોરોના દર્દીઓની સંખ્યા 30 લાખથી વધારે હશે. અમેરિકા (America) અને બ્રાઝિલ (Brazil)માં હાલ ભારત કરતા કોરોનાના વધારે દર્દી નોંધાયા છે. શુક્રવારે ભારતમાં 68 હજાર નવા કેસ નોંધાયા હતા.
16 દિવસમાં 10 લાખ કેસ
અમેરિકા અને બ્રાઝિલની સરખામણીમાં હાલ ભારતમાં કોરોનાની ઝડપ વધારે છે. ભારતમાં અંતિમ 10 લાખ કેસ ફક્ત 16 દિવસમાં નોંધાયા છે. જ્યારે બ્રાઝિલમાં 20 લાખથી 30 લાખ કેસ થવામાં 23 દિવસ લાગ્યા હતા. જ્યારે અમેરિકામાં દર્દીની સંખ્યા 20 લાખથી 30 લાખ પહોંચવામાં 28 દિવસ લાગ્યા હતા. ભારતમાં પ્રથમ 10 લાખ કેસ થવામાં 138 દિવસ લાગ્યા હતા. પરંતુ તે બાદમાં દેશમાં કોરોનાએ ઝડપ પકડી હતી. 10 લાખથી 20 લાખ કેસ થવામાં ભારતમાં 21 દિવસ લાગ્યા હતા. જ્યારે અમેરિકમાં આ આંકડો 43 દિવસ અને બ્રાઝિલમાં 27 દિવસ હતો.
ભારત માટે રાહતની વાત એ છે કે અહીં મોતનું પ્રમાણ ખૂબ ઓછું છે. ભારતમાં અત્યાર સુધી (તા. 21 ઓગસ્ટ, 2020) 54,849 મૃત્યું નોંધાયા છે. જ્યારે અમેરિકામાં 30 લાખ કેસ પૂરા થયા ત્યાં સુધી 1 લાખ 30 હજાર લોકોનાં મોત થયા છે. જ્યારે બ્રાઝિલમાં 30 લાખ કેસ થયા ત્યાં સુધી એક લાખથી વધારે લોકોનાં મોત થયા છે. ભારતમાં હાલ મોતનું પ્રમાણે બે ટકાથી ઓછું છે. અમેરિકા અને બ્રાઝિલમાં આ આંકડો ખૂબ વધારે છે.
ભારતમાં દર્દીઓ સાજા થવાનું પ્રમાણે 74 ટકાથી વધારે છે. સંક્રમણથી મૃત્યુદર ઘટીને 1.89 ટકા થઈ ગયો છે. આંકડા પ્રમાણે દેશમાં હાલ (તા. 21 ઓગસ્ટ, 2020 સુધી) 6,92,028 દર્દીઓની સારવાર ચાલી રહી છે, આ સંખ્યા કુલ સામે આવેલા કેસના 23.82 ટકા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર