લદાખઃ ભારત અને ચીન (India-China Rift)ની વચ્ચે પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં તણાવને ઓછો કરવાના પ્રયાસ સતત કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અહેવાલ છે કે LACના ઉત્તરમાં દેપસાંગ (Depsang) વિસ્તારમાં પણ ચીની સેના ભારતની સરહદમાં ઘૂસી ગઈ છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે બંને દેશોની વચ્ચે તણાવ અનેકગણો વધી ગયો છે. નોંધનીય છે કે, 15 જૂને ગલવાનમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. જ્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના પણ 45 સૈનિકો હતાહત થયા હતા.
દેપસાંગ ક્યાં આવેલું છે?
આ વિસ્તાર દૌલત બૈગ ઓલ્ડીનું મહત્વની એર સ્ટ્રીપથી દક્ષિણ-પૂર્વમાં 30 કિલોમીટર દૂર છે. તે એક બોટલનેક વિસ્તાર છે. અહીં તેને વાય-જંક્શન પણ કહેવામાં આવે છે. તેનો 18 કિલોમીટરનો વિસ્તાર ભારતીય સીમામાં છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે દાવો કર્યો છે કે ચીને અહીં મોટી સંખ્યામાં સૈનિક તૈનાત કરી દીધા છે. આ ઉપરાંત અહીં સેનાના ભારે વાહન અને સૈન્ય ઉપકરણ પણ જોવા મળ્યા છે. અખબાર મુજબ આર્મીએ આ અહેવાલની પુષ્ટિ નથી કરી ઉપરાંત ઇન્કાર પણ નથી કર્યો.
નોંધનીય છે કે, દેપસાંગમાં વર્ષ 2013માં ચીને અનેક ટેન્ટ ઊભા કર્યા હતા. બંને દેશોના સૈનિકોની વચ્ચે અહીં ઘર્ષણ પણ થયું હતું. બાદમાં વાતચીત બાદ મામલો ઉકેલી દેવામાં આવ્યો અને ચીનના સૈનિક પરત પોતાના સ્થાને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ નવો પેટ્રોલિંગ બેઝ તૈયાર કર્યો હતો.
આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે ભારત, રશિયા અને ચીનને પોતાના સંબંધોના સમગ્ર હિતોની રક્ષા માટે દ્વિપક્ષીય સંબંધોના સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે સંભાળવા જોઈએ અને યોગ્ય રીતે તેનો ઉકેલ શોધવો જોઈએ. ચીને ભારતની સાથે ચાલી રહેલા દ્વિપક્ષીય મુદ્દાઓને પણ યોગ્ય રીતે ઉકેલવા અંગે પ્રતિબદ્ધતા જાહેર કરી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર