Independence Day Speech: કોરોના વેક્સીન અંગે લાલ કિલ્લા પરથી PM મોદીએ કરી મોટી જાહેરાત

Independence Day Speech: કોરોના વેક્સીન અંગે લાલ કિલ્લા પરથી PM મોદીએ કરી મોટી જાહેરાત
પ્રતિકાત્મક તસવીર

Independence Day Speech: પીએમ મોદીએ કહ્યુ- દરેક ભારતીય સુધી રસી પહોંચાડવા માટેની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે.

  • Share this:
    નવી દિલ્હી : દેશ આજે 74મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવી રહ્યો છે. આ પ્રસંગે દેશવાસીઓને સંબોધન કરતા પીએમ મોદીએ અનેક જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કોરોના વેક્સીન અંગે કહ્યુ કે, વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ રાત દિવસ રસી પર કામ કરી રહ્યા છે, બહુ ઝડપથી રસી તૈયાર થઈ જશે. સાથે જ તેમણે એવું પણ કહ્યુ કે, સરકાર એ વાતને લઈને યોજના તૈયાર કરી રહી છે કે તમામ લોકો સુધી કેવી રીતે વેક્સીન પહોંચે. પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે હાલ દેશમાં ત્રણ રસી પર અલગ અલગ તબક્કામાં કામ ચાલી રહ્યું છે.

    પીએમ મોદીની જાહેરાત :



    આ પ્રસંગે કોરોનાની વેક્સીને અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, "દેશના દરેક વ્યક્તિને કોરોનાની રસી ક્યારે આવશે તેની રાહ છે. હું આ દિવસ કહેવા માંગું છું કે આપણા વૈજ્ઞાનિકો ઋષીમુનીઓની જેમ લેબમાં તપસ્યા કરી રહ્યા છે. ભારતમાં હાલ ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગના અલગ અલગ તબક્કામાં પહોંચી ગઈ છે. વૈજ્ઞાનિકો તરફથી લીલીઝંડી મળતા જ આપણે તેનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરી દઇશું. એટલું જ નહીં, આ રસી દરેક ભારતીય પાસે કેવી રીતે પહોંચશે તેનો આખો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે."

    વેક્સીન અંગે સરકારની તૈયારી

    નોંધનીય છે કે દેશમાં કોરોના વેક્સીન અંગે આજકાલ સતત બેઠકો કરવામાં આવી રહી છે. નીતિ આયોગના સભ્ય વી.કે. પૉલની અધ્યક્ષતામાં કોરોના વાયરસ અંગે મહત્ત્વની બેઠક આ સપ્તાહમાં મળી હતી. આ બેઠકમાં વેક્સીન સાથે જોડાયેલા તમામ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સિમિતિ કોરોના વેક્સીન બનાવતા લોકો અને રાજ્ય સરકારો સાથે વાતચીત કરી રહી છે.

    અલગ અલગ તબક્કામાં વેક્સીન

    દેશમાં અત્યારે બે વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની રસી સામેલ છે. ભારત બાયોટેક તરફથી આ પહેલા પોલીયો, ચિકનગુનિયા, જાપાની ઇનસેફ્લાઇટિસ, રોટાવાયરસ અને ઝીકા વાયરસની વેક્સીન તૈયાર કરવામાં આવી છે. ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડ તરફથી કોવિડ-19ની દવાનું ક્લિનિકલ ટ્રાયલ 15 જુલાઇથી શરૂ કરવામાં આવ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:August 15, 2020, 10:43 am

    ટૉપ ન્યૂઝ