VIDEO: માતા રડતી રહી અને પાક. કોર્ટે 13 વર્ષની ક્રિશ્ચિયન બાળકીને અપહરણકારને સોંપી દીધી

VIDEO: માતા રડતી રહી અને પાક. કોર્ટે 13 વર્ષની ક્રિશ્ચિયન બાળકીને અપહરણકારને સોંપી દીધી
કોર્ટે સગીર છોકરીને અપહરણકારને જ સોંપી દીધી.

સગીરાનું 13 ઓક્ટોબરના રોજ કરાચીની રેલવે કૉલોની પાસેથી તેના ઘરેથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં છોકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેનું બળજરીથી ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું.

 • Share this:
  ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાંથી એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે ખૂબ પીડા આપનારો છે. અહીં પાકિસ્તાનની કોર્ટે (Pakistan Court) એક ચોંકાવનારો નિર્ણય આપતા 13 વર્ષની એક ક્રિશ્ચિયન છોકરીને તેના 44 વર્ષીય અરહરણકાર અલી અઝહરને સોંપી દીધી છે. કોર્ટના નિર્ણય બાદ માતા રડતી રહી પરંતુ તેણીની એક પણ વાત સાંભળવામાં આવી ન હતી. આરોપ પ્રમાણે સગીરાનું 13 ઓક્ટોબરના રોજ કરાચીની રેલવે કૉલોની પાસેથી તેના ઘરેથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં છોકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેનું બળજરીથી ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું અને અપહરણ કરનાર સાથે તેણીને લગ્ન કરવા માટે મબજૂર કરવામાં આવી હતી.

  પાકિસ્તાનના પત્રકાર બિલાલ ફારુકીએ ટ્વિટર પર કોર્ટના નિર્ણયની વિગતો ટ્વીટ કરતાની સાથે સાથે સિંધ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલું છોકરીનું જન્મ પ્રણાણપત્ર પણ મૂક્યું છે. જેમાં તેની જન્મ તારીખ 31 જુલાઇ, 2007 લખવામાં આવી છે. પીડિતા સગીર હોવાની જાણ છતાં કોર્ટે તેણીને તેના અપહરણકર્તાને સોંપવાનો ફેંસલો આપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે સિંધ પ્રાંતીય સભાએ વર્ષ 2014માં સિંધ બાળ લગ્ન નિરોધક કાયદો બનાવ્યો છે. જેના કારણે બાળ લગ્નો પર પ્રતિબંધ મૂકી શકાય, તેમજ પુરુષોને ત્રણ વર્ષની સજા ફટકારી શકાય. આરોપી અલી અઝહર પહેલાથી જ પરિણીત છે અને તેને બાળકો પણ છે.  સગીરાની માતાનો વીડિયો વાયરલ

  આવા અન્યાય બાદ બાળકી અને તેની માતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. માતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે 13 વર્ષની આરઝૂ રઝા ખ્રિસ્તિ છે. તેના પિતાનું કહેવું છે કે તેની દીકરીનું ઘર પાસેથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બે દિવસ પછી પોલીસે કહ્યું કે, આરઝૂએ 44 વર્ષના શખ્સ સાથે લગ્ન કરી લીધા છે. આ વ્યક્તિએ લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર બતાવ્યું હતું અને કહ્યુ કે તેણે ધર્મપરિવર્તન કરી લીધું છે. સર્ટિફિકેટમાં આરઝૂની ઉંમર 18 વર્ષ લખવામાં આવી છે, જ્યારે પરિવારનું કહેવું છે કે તેણીની ઉંમર ફક્ત 13 વર્ષ છે. રિપોર્ટ પ્રમાણે સુનાવણી દરમિયાન આરઝૂ ભાગીને તેની માતા પાસે જવા માંગતી હતી પરંતુ તેના પતિએ તેણીનો હાથ પકડી લીધો હતો. આ કાર્યવાહી પછી બાળકીની માતા રીટા મસીહ પોતાની બાળકીને મળવા દેવાની ગુહાર લગાવતી રહી હતી.

  અપહરણકારને સુરક્ષા આપવામાં આવશે:

  સિંધ હાઇકોર્ટના આદેશ પ્રમાણે એસએચઓ (સ્ટેશન હાઉસ ઑફિસર)ને આદેશ આપવામાં આવ્યો છે કે, કોઈ ધરપકડ કરવામાં ન આવે અને વિવાહિત યુગલને સુરક્ષા આપવામાં આવે. પોતાના ચૂકાદામાં કોર્ટે કહ્યું કે, છોકરીએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે અને પોતાનું નામ આરઝૂ ફાતિમા રાખ્યું છે. કોર્ટે કહ્યું કે, છોકરીએ અલી અઝહર સાથે પોતાની 'સ્વતંત્ર ઇચ્છા' અને કોઈના ડર વગર લગ્ન કર્યાં છે. આ પહેલા અલી અઝહરે એક નકલી લગ્ન પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે છોકરીની ઉંમર 18 વર્ષ છે, તેણી સગીર નથી.

  સગીરાની માતા રીટાએ પહેલા નિવેદન આપતા કહ્યું હતું કે, "ભગવાન મારી દીકરીને બચાવી લો. અમને ખૂબ ચિંતા છે. મહેરબાની કરીને અમારી મદદ કરો. તે અને તેના સમર્થકો અમને ધમકાવી રહ્યા છે. અમને એ લોકોથી ખતરો છે. મહેરબાની કરીને અમારી અપીલ સાંભળો." એટલું જ નહીં બાળકીના અપહરણ બાદ તેની નોકરી પણ ચાલી ગઈ હતી.

  ધર્મ પરિવર્તન માટે બદનામ છે સિંધ પ્રાંત: લઘુમતિઓ પર અત્યાચારનો સિંધ પ્રાંતનો આ પ્રથમ બનાવ નથી. જૂનના અંતિમ અઠવાડિયામાં સામે આવેલા રિપોર્ટ પ્રમાણે, સિંધ પ્રાંતમાં મોટા પ્રમાણમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવીને તેમને મુસ્લિમ બનાવવાના કેસ સામે આવ્યા છે. સિંધના બાદિનમાં 102 હિન્દુઓને બળજરીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો. માનવાધિકાર સંસ્થા મૂવમેન્ટ ફૉર સૉલિડરિટી એન્ડ પીસ (MSP) પ્રમાણે પાકિસ્તાનમાં દર વર્ષે 1,000થી વધારે ખ્રિસ્તી અને હિન્દુ મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે. જે બાદમાં તેમને ઇસ્લામ કબૂલ કરાવવામાં આવે છે અને નિકાહ કરાવી દેવામાં આવે છે. જેમાંથી મોટાભાગની પીડિતોની ઉંમર 12થી 25 વર્ષ વચ્ચે હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 02, 2020, 14:07 pm