ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની સકુશળ ભારત વાપસી સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતે લાહોરમાં ઉપસ્થિત હતા. પાકિસ્તાનના ઓફિશિયલ સૂત્રોએ એવી જાણકારી આપતા જણાવ્યું કે ઈમરાના ખાન શુક્રવાર બપોરે લાહોર પહોંચ્યા હતા. તેના થોડાક કલાકો બાદ એરફોર્સના પાયલટ અભિનંદનને ઈસ્લામાબાદથી વાઘા બોર્ડર લાવવામાં આવ્યા.
પાકિસ્તાન સરકાર સાથે જોડાયેલા એક ઓફિશિયલ સૂત્રએ જણાવ્યું કે, ઈમરાન ખાનના લાહોર આવવાનું મુખ્ય કારણ એ સુનિશ્ચિત કરવાનું હતું કે વિંગ કમાન્ડર અભિનંદનને કોઈ અડચણ વગર બીએસએફને સોંપી દેવામાં આવે. તેઓએ જણાવ્યું કે પોતાની લાહોર યાત્રા દરમિયાન ઈમરાન ખાને પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદર અને રાજ્યપાલ ચૌધરી સરવર સાથે મુલાકાત કરી. તે બંનેએ ભારતીય પાયલટને મુક્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું.
બુજદરે કહ્યું કે, ઈમરાન ખાનના આ પગલાથી સાબિત થાય છે કે પાકિસ્તાન શાંતિ પ્રિય દેશ છે અને પોતાના પડોશી દેશો ખાસ કરીને હિન્દુસ્તાનની સાથે શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છે છે. તેઓએ કહ્યું કે આ પગલાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો કરવામાં મદદ મળશે.
સૂત્રોએ સાથોસાથ જણાવ્યું કે ઈમરાન ખાન લાહોરમાં ત્યાં સુધી રોકાયેલા રહ્યા જ્યાં સુધી અભિનંદન સકુશળ પોતાના દેશ પરત ન આવ્યા. ત્યારબાદ જ તેઓ ઈસ્લામાબાદ માટે રવાના થયા.
ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરીએ વિંગ કમાન્ડર વર્ધમાને પાકિસ્તાની એરફોર્સના ફાઇટર પ્લેન F-16ને તોડી પાડ્યું હતું. જોકે, આ દરમિયાન તેમનું મિગ-21 પ્લેન પણ પાકિસ્તાની એરફોર્સના ફાયરિંગના લપેટમાં આવી ગયું. વર્ધમાને સમયસર પોતાને ઇજેક્ટ કર્યા અને પેરાશૂટના સહારે જમીન પર ઉતર્યા. જોકે તેઓ પાકિસ્તાન સીમાની અંદર પહોંચી ગયા, જ્યાં પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર