ન્યૂઝ18 ગુજરાતી : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)એ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈને યૌન ઉત્પીડનના આરોપોથી મળેલી ક્લીન ચિટનું સમર્થન કર્યું છે. બાર કાઉન્સિલે સ્પષ્ટપણે કહ્યું છે કે સીજેઆઈની વિરુદ્ધ આરોપ લગાવનારી મહિલા 'સામાન્ય' નથી. મામલાને નજીકથી જોતા તેમાં 'કંઈક ગડબડ' નજરે પડી રહી છે. બીજી તરફ, સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ મળવાથી નિરાશ ફરિયાદી મહિલાએ તેને અન્યાય ગણાવ્યો છે.
ભારતનો સામાન્ય નાગરિક મૂર્ખ નથી
બાર કાઉન્સિલે સીજેઆઈને સુપ્રીમ કોર્ટની આ ઇન હાઉસ પેનલથી ક્લીન ચિટ મળ્યા બાદ કહ્યું કે જો આ સમગ્ર મામલાને નજીકથી જોવામાં આવે તો તેમાં ગડબડ નજરે પડે છે. બીસીઆઈ ચેરમેન મનન કુમાર મિશ્રાના નામથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો સામાન્ય નાગરિક મૂર્ખ નથી. લોકોને એ વાતનો વિશ્વાસ છે કે સીજેઆઈ પર આરોપ લગાવનારી મહિલાની પાછળ કોઈ શક્તિશાળી વ્યક્તિનો હાથ છે, મહિલાને સામાન્ય ન માની શકાય.
જો તમે આરોપ લગાવનારી મહિલાના નિવેદન અને પરિસ્થિતિને જોશો તો આશંકા વધુ મજબૂત થાય છે. બાર કાઉન્સિલ મુજબ, આરોપ લગાવનારી મહિલાએ પોલીસની સામે કબૂલ્યું છે કે તેણે સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ કરી છે. જે રીતે મહિલા પોલીસ, કોર્ટ, સીબીઆઈ અને આઈબી જેવી એજન્સીઓ સાથે ડીલ કરી રહી છે તેનાથી આ સમગ્ર મામલામાં ચાલી રહેલી 'ગડબડ' નજરે પડે છે.
ક્લીન ચિટનું સમર્થન કર્યું
બાર કાઉન્સિલે સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ કમિટીના ચુકાદાનું સમર્થન કરતાં કહ્યું છે કે કોઈને પણ આ તપાસ પર સવાલ ન ઉઠાવવા જોઈએ. કાઉન્સિલ મુજબ, તપાસ સમિતિએ તમામ પક્ષોની વાત સાંભળી છે એન તમામ પુરાવાઓ ઉપર પણ ધ્યાન આપ્યું છે. એવામાં સુપ્રીમ કોર્ટના ત્રણ સિનિયર જજોના ચુકાદા પર સવાલ ન ઉઠાવવા જોઈએ. આરોપી મહિલાએ પહેલા ઇન-હાઉસ કમિટીની તપાસમાં વિશ્વાસ દર્શાવ્યો અને પછી તપાસથી એવું કહીને અંતર કરી લીધું કે હવે તેને વિશ્વાસ નથી, આ સામાન્ય વ્યવહાર નથી.
આરોપ લગાવનારી મહિલા નિરાશ
સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ મળવાથી નિરાશ ફરિયાદીએ તેને અન્યાય ગણાવ્યો છે. ફરિયાદીએ કહ્યું કે, મને જે વાતનો ડર હતો તેવું જ થયું. દેશની સુપ્રીમ કોર્ટથી ન્યાયની મારી તમામ આશા હવે તૂટી ગઈ છે. ફરિયાદીએ કહ્યું કે આજે હું નબળા અને પીડિત લોકોને ન્યાય આપવાની આપણી વ્યવસ્થાની ક્ષમતા પર વિશ્વાસ ગુમાવવાના આરે છું.
તેઓએ કહ્યું કે, હું આ વાતથી દુ:ખી નથી કે કોર્ટને મારી વાત સાચી હોવાના પુરાવા નથી મળ્યા. ભારતની એક મહિલા નાગરિક તરીકે તેમની સાથે ઘોર અન્યાય થયો છે. તેમનો સૌથી મોટો ડર સાચો સાબિત થયો છે. દેશની સૌથી ઉચ્ચ કોર્ટ પાસેથી ન્યાયની તેમની આશા સમગ્રપણે ખતમ થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર