નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન ICMRએ એક મોટો નિર્ણય લીધો છે. ICMRએ પ્રથમ ઓમિક્રોન ડિટેક્શન કીટને મંજૂરી આપી છે. તેને ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનું નામ ઓમિસ્યોર (Omisure) છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટાટા મેડિકલ, મુંબઈ (Tata Medical & Diagnostics)ની કીટને 30 ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી હતી, જેની માહિતી હવે સામે આવી છે.
કિટ ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી
હાલમાં, દેશમાં ઓમિક્રોનને શોધવા માટે બીજી કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે મલ્ટીપ્લેક્સ કીટનું વેચાણ અમેરિકાના થર્મો ફિશર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કિટ S-Gene Target Failure (SGTF) વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ઓમિક્રોનને શોધી કાઢે છે. હવે ટાટાની જે કિટને મંજૂરી આપવામાં આવી છે, તેનું નામ ટાટા એમડી ચેક RT-PCR ઓમિસ્યોર છે.
ઓમિક્રોન સરખામણીમાં જલ્દી ફેલાઇ રહ્યો છે
નિષ્ણાતોના મત પ્રમાણે, દેશમાં અન્ય વેરિઅન્ટની સરખામણીએ કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લાં ચાર-પાંચ દિવસના આંકડા પરથી દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક થઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ખાસ તો મહાનગરોમાં તેનું સંક્રમણ ખૂબ જ ઝડપી બન્યું છે. એક જ દિવસમાં ઓમિક્રોનના 1700 કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોનાના કેસમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં એક જ દિવસમાં નવા 33750 કેસ નોંધાયા હતા. એ સાથે જ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3.5 કરોડને પાર પહોંચી ગઈ છે.
ભારતમાં દરરોજ ઓમિક્રોનના કેસોમાં ભારે ઉછાળો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાવવા સાથે દેશમાં અત્યંત સંક્રમિત સ્ટ્રેઇનની સંખ્યા 1892 પર પહોંચી ગઈ છે. ભારતમાં ઓમિક્રોન સિવાયના કોરોનાવાયરસ ચેપમાં પણ અચાનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,379 નવા કોવિડ કેસ, 11,007 રિકવરી અને 124 લોકોનાં મોત નોંધાયા છે.
દેશભરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ થયું છે. સોમવારે પહેલા જ દિવસે દેશમાં 40 લાખ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. બાળકોના વેક્સિનેશન પછી પેરેન્ટ્સે રાહતનો શ્વાસ લીધો હતો. એડવાન્સ રજિસ્ટ્રેશન ઓછું થયું હતું, પરંતુ તેની સામે આઠ ગણાં બાળકોનું વેક્સિનેશન થયું હતું. એક્સપાયર્ડ થઈ રહેલી વેક્સિન બાળકોને અપાશે કે કેમ તેવી ચિંતા-અટકળો પછી સરકારે સ્પષ્ટતા કરી હતી કે બાળકોને અપાઈ રહેલી વેક્સિન સુરક્ષિત છે અને એમાં કોઈ જ બાંધછોડ કરવામાં આવી નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર