કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની મોર્ફ કરેલી તસવીર સોશિયલ મીડિયા ફેસબુક પર શેર કરવા બદલ જેલમાં ધકેલવામાં આવેલી બીજેપીની કાર્યકરને પ્રિયંકાને મંગળવારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. પ્રિયંકા બુધવારે જેલ બહાર નીકળી હતી. જેલમાંથી બહાર નીકળ્યા બાદ મીડિયાને સંબોધતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તેણી આ બાબતે માફી નહીં માગે.
"મેં જે પણ કર્યું તેના પર મને કોઈ પસ્તાવો નથી. મેં એવું કંઈ જ નથી કર્યું જેના માટે મારે માફી માંગવી જોએએ." પ્રિયંકાએ બીજેપી ઓફિસ ખાતે મીડિયાને સંબોધતા આ વાત કહી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે પ્રિયંકાને અલિપોર જેલમાંથી સવારે 9.40 વાગ્યે મુક્ત કરવામાં આવી હતી.
બીજેપી કાર્યકરે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, જેલમાં તેણીને પરેશાન કરવામાં આવી હતી. "જેલમાં મારા પર જુલમ કરવામાં આવ્યા હતા. ગઈકાલે જેલરે પણ મને ધક્કો માર્યો હતો. મેં તેમને કહ્યું હતું કે હું કોઈ આરોપી નથી કે તમે મને આવી રીતે ધક્કા મારી રહ્યા છો. તેઓએ મારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. જેલમાં મારી હાલત ખૂબ જ ખરાબ હતી."
પ્રિયંકાને જ્યારે જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી ત્યારે બીજેપીના સ્થાનિક નેતાઓ તેમજ તેની માતા દક્ષિણ કોલકાતા ખાતે આવેલી જેલ બહાર હાજર હતા. પીટીઆઈ સાથે વાતચીત કરતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, "મેં અને મારા પરિવારે કોઈ કારણ વગર જ ખૂબ જ યાતનાઓ વેઠી છે. " પ્રિયંકાના ભાઈ રાજીવ શર્માએ આરોપ લગાવ્યો હતો કે સુપ્રીમના આદેશ છતાં જેલના તંત્રએ તેની બહેનને મંગળવારે છોડી ન હતી.
રાજીવ શર્માએ જણાવ્યું કે, "અમે મંગળવારે જેલ પહોંચ્યા ત્યારે અધિકારીઓેએ જણાવ્યું હતું કે અમને હાર્ડ કોપીની જરૂર છે. હું દિલ્હીમાં છું અને હાર્ડ કોપી લેવામાં સમય લાગી રહ્યો છે. પ્રિયંકાને તાત્કાલિક છોડી મૂકવાના સુપ્રીમ કોર્ટના આદેશને પણ તેમણે માન્યો ન હતો."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર