મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai)માં એક મૉલ સ્થિત સનરાઈઝ હૉસ્પિટલ (Sunrise hospital fire)માં શુક્રવારે આગ લાગવાને કારણે કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિત 10 દર્દીઓનાં મોત થયા છે. આ આગમાં મહામુસિબતે જીવ બચાવીને બહાર નીકળનારી એક વૃદ્ધ મહિલાએ પોતાની આપવીતી કહી હતી. મહિલાએ કહ્યુ કે, હાલ ખૂબ જ ખરાબ હતી, તેના પતિને ખૂબ મથામણ બાદ હૉસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
અંગ્રેજી વર્તમાનપત્ર ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં 67 વર્ષીય માધુરી ગોધવાનીએ કહ્યુ કે, "મારા 78 વર્ષીય પતિ હૉસ્પિટલમાં દાખલ હતા. હું ગત રાત્રિને ક્યારેય નહીં ભૂલી શકું. મારે મારા પતિને એક અંધારું હોય તેવી શેરીમાં કોઈ મૃત પ્રાણીની જેમ ખેંચીને બહાર નીકળવું પડ્યું હતું."
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે હૉસ્પિટલમાં આગ લાગી હતી ત્યારે તેમના પતિ ચેતનને ઑક્સિજન પર રાખવામાં આવ્યા હતા. આ જ સમયે એક વૉર્ડ બોયે ત્યાંથી ભાગવાનું કહ્યું હતું. રુમમાં બધી બાજુ ધૂમાડો હતો. આથી લાગ્યું કે હવે તેમને બચાવવા માટે બીજું કોઈ નહીં આવે. આથી મેં જ તેમને રૂમ બહાર ખેંચવાની શરૂઆત કરી હતી.
મહિલાએ જણાવ્યું કે, "મને રૂમ બહાર એક મહિલા મળી જે બે વૃદ્ધોને બહાર કાઢી રહી હતી. હું મારા પતિને લઈને તેની પાછળ ચાલવા લાગી હતી. એ વખતે પાવર બેકઅપ લિફ્ટ કામ કરી રહી હતી. પ્રથમ માળ સુધી અમે લોકો લિફ્ટમાં ગયા હતા. જે બાદમાં સીડીઓની મદદથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા."
બૃહ્દમુંબઈ મહાનગરપાલિકા (BMC) તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે, હૉસ્પિટલમાં તમામ દર્દીનાં મોત શ્વાસ રુંધાવાને કારણે થયા છે. આગની ઘટના પહેલા કોરોનાને કારણે બે દર્દીના મોત થઈ ચૂક્યા હતા. હૉસ્પિટલે દાવો કર્યો છે કે આગને કારણે કોઈ જ દર્દીનું મોત નથી થયું. બીએમસી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડ અને પોલીસ આગ લાગવાની ઘટનાનું કારણ શોધી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર