Home /News /national-international /હું દેશ છોડી જનાર નહીં પરંતુ પરત ફરનારઃ કાર્તિ ચિદમ્બરમ

હું દેશ છોડી જનાર નહીં પરંતુ પરત ફરનારઃ કાર્તિ ચિદમ્બરમ

કાર્તિ ચિદમ્બરમ

દિલ્હીની એક કોર્ટે સીબીઆઈ દ્વારા આઈએનએક્સ કેસમાં કાર્તિ ચિદમ્બરની ધરપકડને વાજબી ગણાવી છે. તપાસ એજન્સીએ કહ્યું કે કાર્તિ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા તેમજ સતત વિદેશ યાત્રા પર રહેતા હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

કાર્તિ તરફથી સીનિયર એડ્વોકેટ અભિષેક મનુ સિંઘવીએ તેનો વિરોધ કરતા કહ્યું કે, 'કેન્દ્રીય તપાસ એજન્સીએ ગયા મહિને તેના અસીલને સમન્સ મોકલ્યું ન હતું. તેમણે કાર્તિ તરફથી કહ્યું હતું કે, હું બીજાઓથી અલગ ભારત છોડીને જનારમાં નહીં પરંતુ ભારત પરત ફરનાર છું.'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિને 15 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આગ્રહ કરતા સીબીઆઈના વકીલે મેજિસ્ટ્રેટ સુમિત આનંદ સમક્ષ દલીલ કરી હતી. વકીલે દલીલ કરી હતી કે કાર્તિ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. તે સતત વિદેશ યાત્રા કરી રહ્યા છે. જેનાથી તેના દ્વારા પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવતા હોવાની વાતને પુષ્ટિ મળે છે.

વકીલે દલીલમાં કહ્યું હતું કે સીબીઆઈએ આઈએનએક્સ (પી) મીડિયા લિમિટેડની ડિરેક્ટર ઇન્દ્રાણી મુખરજીનું 17 ફેબ્રુઆરીના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધ્યું હતું. ઇન્દ્રાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અહીં હયાત હોટલમાં આઈએનએક્સ મીડિયા તરફથી કાર્તિને રૂ. 10 લાખ અમેરિકન ડોલર જેટલી રકમ આપવામાં આવી હતી.

સીબીઆઈની દલીલનો વિરોધ કરતા કાર્તિના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, વાહિતાય કેસ છે તેમજ ધરપકડ કરવા માટે કોઈ ઠોસ આધાર નથી.

તેમણે દલીલ કરી હતી કે કાર્તિને સીબીઆઈએ ગત વર્ષમાં બે વખત 23મી ઓગસ્ટ અને 28મી ઓગસ્ટના રોજ સમન્સ પાઠવ્યું હતું. એજન્સીએ 22 કલાક સુધી કાર્તિની પૂછપરછ કરી હતી, આ દરમિયાન તેમણે તમામ સવાલના જવાબ આપ્યા છે.

સિંઘવીએ કહ્યું કે, 'આ બે દિવસ બાદ કાર્તિને ક્યારેય સીબીઆઈ દ્વારા બોલાવવામાં આવ્યા નથી. 180 દિવસ સુધી નિષ્ક્રિય રહ્યા બાદ હવે તેઓ કહે છે કે કાર્તિ તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. તમે આવું એટલા માટે કરી રહ્યા છો કારણ કે તમે (સીબીઆઈ) પોતાના બોસને બતાવવા માંગો છો કે તમે કોઈ કામ કરી રહ્યા છો.'

તેમણે કહ્યું કે, 'કાર્તિ સીબીઆઈને પૂરો સહયોગ આપી રહ્યા છે, તેમજ એજન્સીની કસ્ટડીમાંથી છોડતા પહેલા કોર્ટ તેમના પર કોઈ પણ શરત મૂકી શકે છે.' સિંઘવીએ કાર્તિ વતી કોર્ટમાં કહ્યું હતું કે, 'હું ન્યાયથી ભાગ્યો નથી.'
First published:

Tags: Karti Chidambaram, સીબીઆઇ