નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મી મેના રોજ જાહેર થશે. જોકે, પરિણામ પહેલા જ અનેક નેતાઓએ પીએમ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. બસપાના સુપ્રીમો માયાવતીએ દાવો કર્યો છે કે તેણી વડાંપ્રધાન પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. નોંધનીય છે કે માયાવતીએ તાજેતરમાં જ મોદી પર હુમલો કરતા તેમને પીએમ પદ માટે 'અયોગ્ય'(અનફિટ) કહ્યા હતા. આ પહેલા નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યુ હતુ કે માયાવતી પીએમ બનવાને લાયક નથી.
એક નિવેદનમાં માયાવતીએ કહ્યું કે, "જ્યાં સુધી વિકાસની વાત છે, બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશની સૂરત બદલી નાખી છે. તેના આધારે કહી શકાય કે લોકોના કલ્યાણ અને દેશના વિકાસને જોતા બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ વડાંપ્રધાન બનવા માટે ફિટ છે, જ્યારે નરેન્દ્ર મોદી અનફિટ છે."
પોતાની સિદ્ધિઓ વર્ણવતાં માયાવતીએ કહ્યું કે, ચાર વખત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી રહેતા તેમની છબિ એકદમ સ્વચ્છ છે. સાથે જ તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખતા લોકોના હિતમાં કામો કર્યા છે.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે વડાપ્રધાન પદ માટે વિપક્ષના ત્રણ નામનું સમર્થન કર્યું હતું. જેમાં માયાવતીનું નામ પણ સામેલ હતું. આ ઉપરાંત ગત દિવસોમાં અખિલેશ યાદવે પણ માયાવતીને પીએમ પદના દાવેદાર ગણાવ્યા હતા.
નાણા મંત્રી અરુણ જેટલીએ બસપા સુપ્રીમો માયાવતીને વડાંપ્રધાન પદ માટે અનફિટ કહ્યા હતા. આ પહેલા માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને પીએ મોદી અને તેમના પત્ની પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.
જેટલીએ ટ્વિટ કરીને કહ્યું કે, "તેઓ (માયાવતી) વડાંપ્રધાન બનાવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે. તેમનું સાશન, સિદ્ધાંતો અને વિચારસરણી અત્યારસુધીના સૌથી નીચેના સ્તરે પહોંચી ગયાં છે. આજે તેમણે વડાપ્રધાન પર જે ટિપ્પણી કરી છે તેનાથી સાબિત થાય છે કે તેઓ વડાંપ્રધાન પદ માટે લાયક નથી."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર