વિશ્વભરમાં પીવાના પાણીની સમસ્યા પ્રતિદિન વધુ વિકરાળ બની રહી છે. આજે પણ વિશ્વના અનેક દેશોમાં કરોડો લોકોને પીવાલાયક પાણી નસીબ થતું થતી. આ સમસ્યાનો હવે અંત આવતો હોય તેવી આશાની એક કૂંપળ અમેરિકન વૈજ્ઞાનિકોની (America Scientist)નવી શોધમાં દેખાય રહી છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારની હાઇડ્રોજેલ ટેબલેટ (Hydrogel Tablet) તૈયાર કરી છે. તેમનો દાવો છે કે આ ટેબલેટ નદીઓ-તળાવના પાણીને એક કલાકમાં પીવા લાયક બનાવી દેશે. આ ટેબલેટ પાણીને 99.9 ટકા સુધી બેક્ટેરિયામુક્ત બનાવી દેશે. તેમણે આ ટેબલેટનો એક પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે.
અમેરિકાની ટેક્સાસ યૂનિવર્સિટી (University of Texas at Austin)ના વૈજ્ઞાનિકોએ આ હાઇડ્રોજન ટેબલેટ (Hydrogel Tablet) તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સામાન્ય રીતે પાણીને બેક્ટેરિયામુક્ત બનાવવા માટે તેને ઉકાળવું પડે છે. તેમાં સમય અને એનર્જી બંને લાગે છે. પરંતુ નવી હાઇડ્રોજન ટેબલેટ દ્વારા પાણીને પીવાલાયક બનાવવું અત્યંત સરળ બની રહે છે.
આ શોધ લાવી શકે છે ક્રાંતિ
વૈજ્ઞાનિકોએ વિકસિત કરેલી આ ટેબલેટ આગામી સમયમાં પીવાલાયક પાણીની સમસ્યાને મહદ અંશે ઉકેલી શકે છે. એક અનુમાન અનુસાર, વિશ્વની એક તૃતીયાંશ વસ્તીને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળતું નથી. આ સમસ્યાને ઉકેલવાથી લાખો લોકોના જીવનધોરણમાં સુધાર લાવી શકાય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ટેબલેટ એક હાઇડ્રોફિલિક પોલીમર છે, જે ક્રાંતિ સર્જી શકે છે અને પાણીની કમીને રોકી શકે છે. કારણ કે આ ટેબલેટ ખરેખર અસરકારક છે અને મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરી શકાય છે.
વૈજ્ઞાનિકોએ કરેલા દાવા અનુસાર, નદી કે તળાવના પાણીથી ભરેલા કંટેનરમાં આ હાઇડ્રોજેલ ટેબલેટને નાંખવાની રહે છે. ટેબલેટ નાંખ્યાના એક કલાક બાદ પાણી 99.9 ટકા સુધી બેક્ટેરિયા મુક્ત થઇ જશે. એક કલાક બાદ આ ટેબલેટને પાણીમાંથી કાઢી શકાય છે. જે બાદ પાણીમાં કોઈ પણ કેમિકલ રહેશે નહીં.
આ રીતે કામ કરે છે ટેબલેટ
રિસર્ચર્સનું કહેવું છે કે, પાણીમાં પહોંચ્યા બાદ આ ટેબલેટ હાઇડ્રોજન પેરોક્સાઇડ જનરેટ કરે છે, જે કાર્બન પાર્ટિકલ સાથે મળીને બેક્ટેરિયાને ખતમ કરે છે. રિસર્ચમાં દાવો કરાયો છે કે તેનાથી પાણીમાં કોઇ પણ કેમિકલ કે બાય પ્રોડક્ટ બનતું નથી, જે માણસના શરીરને નુકસાન પહોંચાડી શકે.
રિસર્ચર ગુઇહુઆ યૂ કહે છે કે, ‘પીવાલાયક પાણીની કમી સામે ઝઝૂમી રહેલ વિશ્વમાં હાઇડ્રોજેલ ટેબલેટ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. તે મોટું પરિવર્તન લાવી શકે છે. કારણ કે તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે.’
રિસર્ચ ટીમનું કહેવું છે કે, હોઇડ્રોજેલ ટેબલેટ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે એક ટીમ કામ પર લાગી ચૂકી છે. આ ઉપરાંત તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, કઇ રીતે તેને વધુ સારી બનાવીને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાની સાથે વાયરસને પણ ખતમ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર