હૈદરાબાદ : મહિલા ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યા (Gang Rape and Murder)એ સમગ્ર દેશને ઘેરા આઘાતમાં મૂકી દીધો છે. હૈદરાબાદ (Hyderabad)ની સાથોસાથ દેશના અનેક શહેરોમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો આરોપીને તાત્કાલીક સજા આપવા માટેની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન હૈદરાબાદની પોલીસે મહિલા ડૉક્ટરને એક નવું નામ આપ્યું છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેમને 'દિશા' કહીને બોલાવે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અધિકારીઓએ પરિજનોને આ નામ સૂચવ્યું, જેની પર તેઓ રાજી થઈ ગયા.
'જસ્ટિસ ફૉર દિશા'
સાઇબરાબાદના પોલીસ કમિશ્નર વી. સી. સજ્જાનરે રવિવારે મીડિયાને અપીલ કરી કે તેઓ પીડિતાના અસલી નામનો ઉપયોગ ન કરે પરંતુ તેને 'દિશા' કહીને બોલાવે. દેશભરમાં હાલમાં મહિલા ડૉક્ટરને ન્યાય અપાવવા માટે એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે આ કેમ્પેનને હવે જસ્ટિસ ફૉર દિશા (Justice for Disha)ના નામથી ચલાવવામાં આવે.
અસલી નામનો ઉપયોગ નથી કરવામાં આવતો
નોંધનીય છે કે, દુષ્કર્મ સાથે જોડાયેલા મામલાઓમાં પીડિતાનું નામ જાહેર કરવા પર પ્રતિબંધ છે. મીડિયામાં તેનું બદલાયેલા નામનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પીડિતાની તસવીર પણ નથી રજૂ કરી શકાતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય લોકો ન્યાય માટે ચલાવવામાં આવી રહેલા કેમ્પેનમાં પીડિતાના અસલી નામનો ઉપયોગ કરી રહ્યા હતા. હવે પોલીસે સૌને અનુરોધ કર્યો છે કે તેઓ 'જસ્ટિસ ફૉર દિશા' નામથી કેમ્પેન ચલાવે.
આ દરમિયાન આ મામલાને લઈ કેટલાક એવા નકલી મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. એક વાયરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિમાં મહિલાઓ 9833312222 નંબર પર મિસ કૉલ કરે. મિસ કૉલ કરતાં જ પોલીસ, મહિલાની પાસે પહોંચી જશે. આ વાયરલ મેસેજની તપાસ કર્યા બાદ સામે આવ્યું કે તે સમગ્રપણે નકલી છે.