હૈદરાબાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ: અસીમાનંદ સહિત તમામ આરોપીઓ મુક્ત

News18 Gujarati
Updated: April 16, 2018, 5:06 PM IST
હૈદરાબાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ: અસીમાનંદ સહિત તમામ આરોપીઓ મુક્ત
મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થયા હતા

  • Share this:
હૈદરાબાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં 11 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ખાસ કોર્ટે અસીમાનંદ સહિત પાંચેય આરોપીઓને પુરાવા ન હોવાથી છોડી મૂક્યા છે. સ્વામી અસીમાનંદ આ કેસમાં મુખ્ય આરોપીઓમાંના એક હતા. કોર્ટે દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, સ્વામી અસીમાનંદ ઉર્ફે નબા કુમાર સરકાર, ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરત ભાઈ અને રાજેન્દ્ર ચૌધરીને છોડી મૂકવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ તમામની મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી અસીમાનંદ અને ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરત ભાઈ જામીન પર બહાર છે. જ્યારે ત્રણ લોકો જેલમાં બંધ છે. કોર્ટના નિર્ણય બાદ ત્રણેયને મુક્ત કરી દેવામાં આવશે.

હૈદરાબાદમાં વર્ષ 2007માં જુમાની નમાઝ વખતે થયેલા બ્લાસ્ટમાં નવ લોકોનાં મોત થયા હતા, જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા. આ કેસની ગંભીરતાને લઇને કોર્ટ પરિસર આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા.

શું હતો કેસ?

18મી મે 2007ના રોજ જુમાની નમાઝ દરમિયાન હૈદરાબાદની મક્કા મસ્જિદમાં એક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થયા હતા, જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ બાદ પોલીસ દેખાવકારોને ખસેડવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું, જેમાં પાંચ લોકોનાં મોત થયા હતા. આ કેસમાં 160 સાક્ષીઓનું નિવેદન લેવામાં આવ્યું હતું.

કોણ છે આરોપી?

તપાસ બાદ આ કેસમાં દસ લોકોને આરોપી બનાવાયા હતા. જેમાં અભિવન ભારતના તમામ સભ્યો સામેલ છે. સ્વામી અસીમાનંદ સહિત દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા ઉર્ફે અજય તિવારી, લક્ષ્મણ દાસ મહારાજ, મોહનલાલ રતેશ્વર અને રાજેન્દ્ર ચૌધરીને આ કેસમાં આરોપી જાહેર કરવામાં આવ્યા છે. બે આરોપી રામચંદ્ર કાલસાંગરા અને સંદીપ ડાંગે હાલ ફરાર છે. એક મુખ્ય આરોપી અને આરએસએસના કાર્યવાહક સુનીલ જોશીની તપાસ દરમિયાન જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.તપાસમાં શું થયું?

સ્થાનિક પોલીસે શરૂઆતની તપાસ બાદ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. સીબીઆઈના અધિકારીઓએ 68 સાક્ષીઓનું નિવેદન નોંધ્યું હતું. જેમાંથી 54 સાક્ષીઓ ફરી ગયા હતા. સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. બાદમાં 2011માં આ કેસને એનઆઈએને રિફર કરવામાં આવ્યો હતો.

કોણ છે સ્વામી અસીમાનંદ?

સ્વામી અસીમાનંદ પૂર્વ આરએસએસ કાર્યકર છે. તેમની મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ કેસમાં 19 નવેમ્બર 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે લેખિતમાં કહ્યું હતું કે અભિનવ ભારતના અનેક સભ્યોએ મસ્જિદમાં બ્લાસ્ટનું કાવતરું રહ્યું હતું. બાદમાં સ્વામી અસીમાનંદને 23મી માર્ચ 2017ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અસીમાનંદને અજમેર બ્લાસ્ટ કેસમાં પહેલા જ છોડી મૂકવામાં આવ્યા છે. સાથે જ માલેગાંવ અને સમજૌતા બ્લાસ્ટમાં પણ તેમને જામીન આપી દેવામાં આવ્યા છે.
First published: April 16, 2018
વધુ વાંચો
अगली ख़बर