હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં (Hyderabad) એક હોસ્પિટલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દવાખાનામાં દર્દીનું હૃદયરોગનું (heart attack) ઓપરેશન કરી રહેલા ડોક્ટરને હાર્ટ એટેક (heart attack to Doctor) આવતાં ઘટના સ્થળે જ નિધન થયું હતું. ડોક્ટરના નિધન પછી થોડી વાર બાદ દર્દીનું પણ મોત નીપજ્યું હતું. દર્દીનું મોત સારવાર ના મળવાને લીધે થયું હોવાનું માનવામાં આવે છે. આ ઘટના ગાંધારીના ખાનગી દવાખાનાની છે.
40 વર્ષના ડોક્ટર સારવાર કરી રહ્યા હતા
આ કેસની માહિતી મુજબ, હૈદરાબાદના ગુજાલા વિસ્તારમાં રહેલા એક 60 વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને સારવાર માટે ગાંધારી મંડળના એસવી શ્રીજા નર્સિંગ હોમમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ગંભીર પરિસ્થિતિને જોતાં ડોક્ટરે તેમને ICUમાં દાખલ કરાવ્યા હતા. જે પછી 40 વર્ષના ડોક્ટરે એમની સારવાર શરું કરી હતી. તેઓ દર્દીની સારવાર કરી રહ્યા હતા એવામાં જ ડોક્ટરને પણ હાર્ટ એટેક આવ્યો હતો.
દર્દીને બીજી હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી થઇ ગઇ હતી
જોકે, ત્યાં હાજર દવાખાનાના સ્ટાફે ડોક્ટરને ઇમરજન્સી સારવાર આપી હતી, પરંતુ થોડા જ સમયમાં તેમનુ મૃત્યુ થયું હતું. આ દરમિયાન ICUમાં દાખલ કરેલા હૃદયરોગના દર્દીની તબિયત પણ ખરાબ થવા લાગી હતી. તેમનો પરિવાર તેમને લઇને બીજા હોસ્પિટલ લઇ જવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ અન્ય એક ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અરવલ્લીમાં દોડતી વખતે યુવાનને છાતીમાં દુખાવો થયો હતો
આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતના અરવલ્લીમાં બન્યો હતો. જિલ્લામાં હોમગાર્ડની ભરતી પ્રક્રિયા દરમિયાનમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા નજીક આવેલા પોલીસ પરેડ મેદાનમાં હોમગાર્ડની ફિઝિકલ ટેસ્ટ દરમિયાન ભીલકુવા ગામના યુવાનને દોડતી વખતે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. યુવકનું અચાનક મોત થતાં તેના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર