મનાલી : હિમાચલ પ્રદેશના (himachal pradesh)મનાલીમાં (manali)શુટઆઉટ થયું હોવાનું સામે આવ્યું છે. આ શુટઆઉટમાં બે લોકોના મૃત્યુ અને એકને ગંભીર રીતે ઈજા થઈ છે. પોલીસે બે લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. પતિએ પત્ની અને તેના પ્રેમી પર ફાયરિંગ કરી પોતે આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર મનાલીના પ્રીણીથી આગળ આવેલ જગતસુખના સુરૂ ગામે આ ઘટના સર્જાઈ છે. જ્યાં એક હોટલ ભાડે રાખવામાં આવી હતી. દિલ્હીની મહિલા રવલીન કૌર આ હોટલ ચલાવતી હતી અને તેનો પતિ ઋષભ સક્સેના દિલ્હીમાં રહેતો હતો. ઋષભને શક હતો કે, તેની પત્નીના આડા સંબંધો હતા.
ગુરુવારે રાત્રે મહિલાનો પતિ દિલ્હીથી મનાલી ગયો હતો. તે સમયે મહિલાના પતિએ મહિલાને અને તેના પ્રેમી સન્ની શેરાવતને કઠંગી અવસ્થામાં જોઈ લીધા હતા. ત્યારબાદ પતિ પત્નીનો ઝઘડો થઈ ગયો હતો. આ પરિસ્થિતિમાં મહિલાના પતિએ કાબૂ ગુમાવતા આવેશમાં આવીને તેની પત્ની અને તેના પ્રેમીને ગોળી મારી દીધી હતી અને ત્યાર બાદ તેણે ખુદને પણ ગોળી મારી હતી. મહિલાને હાથમાં ગોળી વાગતા તે હાલ સારવાર હેઠળ છે. મહિલાના પતિ અને પ્રેમીનું મોત થઈ ગયું છે. પોલીસે બંને મૃતદેહને કબ્જે લઈ લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા છે.
મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ગોળીનો અવાજ આવતા જ હોટલનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. તે સમયે હોટલના રૂમમાં લોહીથી લથપથ મહિલા, મહિલાનો પતિ અને તેનો પ્રેમી જમીન પર પડ્યા હતા. હોટલ સંચાલકે આ સમગ્ર મામલાની પોલીસને જાણકારી આપી હતી. સૂચના મળતા જ મનાલી પોલીસ DSP હેમ રાજ વર્માની ટીમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ત્રણેય વ્યક્તિનો સંબંધ અને તેમના કારોબારી સંબંધને લઈને તથા આડા સંબંધોની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને પુરાવા મેળવી લીધા છે. પોલીસે હોટલને સીઝ કરી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર