વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22 સપ્ટેમ્બરે અમેરિકા (America)માં 'હાઉડી મોદી' (Howdy Modi) કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભારતીયોને સંબોધિત કરશે. આ દરમિયાન ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ આ દરમિયાન કોઈ મોટી જાહેરાત કરી શકે છે. હ્યૂસ્ટનના એન.આર.જી. સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમને ધ્યાને લઈ દરેક સ્થળે પૉસ્ટર લાગેલા છે.
આ પહેલા વર્ષ 2014માં મૅડિસન સ્ક્વૅરમાં મોદીનો કાર્યક્રમ આયોજિત થયો હતો. મોદીનો આ કાર્યક્રમ સુપરહિટ હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે, મોદીનો Howdy Modi કાર્યક્રમ મૅડિસન સ્ક્વૅરથી પણ વધુ ભવ્ય હશે.
વડાપ્રધાન તરીકે મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં વર્ષ 2014માં પહેલીવાર મૅડિસન સ્ક્વૅર ગાર્ડન (Madison Square Garden)માં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા. ત્યારે પીએમ મોદીને સાંભળવા 20 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા.
વડાપ્રધાનના મૅડિસન સ્ક્વૅરવાળા ભાષણને ચારે તરફ વખાણવામાં આવ્યું હતું. બીજી તરફ, Howdy Modiની વાત કરીએ તો તેના માટે અત્યાર સુધી 50,000 લોકોએ રજિસ્ટ્રેશન કરી લીધું છે. અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષ વી શ્રૃંગલાએ પોતાની ટીમની સાથે શુક્રવાર સવારે એનઆરજી સ્ટેડિયમમાં ચાલી રહેલી તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ હતું. આ સમારોહને યાદગાર બનાવવા માટે 15,000થી વધુ સ્વયંસેવક દિવસ-રાત કામ કરી રહ્યા છે.
એન.આર.જી. સ્ટેડિયમમાં શુક્રવારે એક કાર રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ કારોએ ભાગ લીધો, જેની પર ભારત-અમેરિકાના રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યા હતા. આયોજકો અને સ્વયંસેવકોએ Namo Againની શર્ટ પહેરી રાખ્યા હતા અને Namo Againના નારા લાગી રહ્યા હતા. તેઓએ કહ્યું કે તેઓ દિલથી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા તૈયાર છે.
સવારે ખોલવામાં આવશે NRG સ્ટેડિયમના દરવાજા
એન.આર.જી.ના તમામ દરવાજા સવારે 6 વાગ્યે ખોલી દેવામાં આવશે અને સવારે 9 વાગ્યા સુધી 50,000 લોકોને પોતાનું સ્થાને બેસવાનું રહેશે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે જે સવારે 10.30 વાગ્યા સુધી ચાલશે. તેનું પ્રસારણ હિન્દી, અંગ્રેજી, સ્પેનિશ ભાષામાં કરવામાં આવશે. ત્યારબાદ બંને નેતા સભાને સંબોધિત કરશે. સમારોહ 12.30 વાગ્યા સુધી ચાલશે.
Howdy Modi બાદ મોદી સામૂહિક ભોજન સમારંભમાં સામેલ થશે. ત્યારબાદ તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર અને અન્ય કાર્યક્રમોમાં સામેલ થવા માટે ન્યૂયોર્ક માટે રવાના થશે.