આધાર કાર્ડ લોકોના સરકારી અને આર્થિક કામ સાથે જોડાયેલો મહત્વનો ભાગ બની ગયું છે. જોકે, આધારમાં કેટલીક ભૂલો પણ જોવા મળે છે. ત્યારે આધારને લગતી ફરિયાદો ક્યાં કરવી તે પ્રશ્ન રહે છે.
યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) નાગરિકોને આધારને લગતી ફરિયાદો કરવા વિવિધ વિકલ્પો આપે છે. અરજદારો ઈચ્છે તો આધાર સર્વિસ અંગે કોલ, ઈ-મેઈલ કે સત્તાવાર વેબસાઇટ મારફતે આધારની ફરિયાદ કરી શકે છે. અહી તે અંગે જાણકારી આપવામાં આવી છે.
કોલમાં આવી રીતે કરો ફરિયાદ
અરજદારો આધારને લગતી ફરિયાદો માટે કોલ મારફતે UIDAIનો સંપર્ક સાધી શકે છે. તેના માટે ટોલ ફ્રી નંબર 1947 છે.
ચેટબોટથી ઉકેલ મેળવો (ASK Aadhar)
અરજદારો UIDAI ચેટબોટનો પણ ઉપયોગ કરી શકે છે. UIDAIની સત્તાવાર વેબસાઇટ પર આધાર અને તેની સેવાઓથી સંબંધિત ઝડપી ઓટોમેટેડ જવાબ માટે ચેટ પ્લેટફોર્મની મદદ લઈ શકાય છે. તે UIDAI વેબસાઈટના મુખ્ય પેજ અને પોર્ટલ પર જમણી બાજુએ જોવા મળે છે. ASK Aadharના બ્લ્યુ આયકન પર ક્લિક કરીને, ચેટબોટ સાથે વાતચીત શરૂ કરી શકાય છે. આ ચેટબોટ હિન્દી અને અંગ્રેજી ભાષાઓને સપોર્ટ કરે છે.
રેસિડન્ટ પોર્ટલ મારફતે ફરિયાદનું નિવારણ
UIDAI વેબસાઈટ પર ઉપલબ્ધ ફરિયાદના વિકલ્પ દ્વારા પણ અરજદારો ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે 14 અંકના એનરોલમેન્ટ આઈડી અને તારીખ અને સમયને dd/mm/yy અને hh:mm:ss ફોર્મેટમાં નાખવાનો રહેશે. આ ઉપરાંત તેઓએ પોતાનું નામ, ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર પણ આપવાનો રહેશે.
લોકેશન ટેબ હેઠળ, અરજદારોને પોતાના વિસ્તારનો પિન કોડ ભરવાનો રહેશે અને ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી પોતાના ગામ/ શહેરની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ, તેઓએ ફરિયાદના પ્રકાર, તેની કેટેગરી અને કોમેન્ટ પસંદ કરીને ફરિયાદની વિગતો ભરવાની રહેશે.
ઇમેઇલ થકી ઉકેલ મેળવો
આધાર સેવાઓથી સંબંધિત કોઈપણ પ્રશ્નો અને ફરિયાદ માટે લોકો help@uidai.gov.in ઇમેઇલ મોકલી શકે છે.