સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે મહાભિયોગ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. સીજીઆઈ દીપક મિશ્રા સામે મહાભિયોગની કાર્યવાહી કરવા માટે સાત રાજકીય દળોના 71 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જેના બાદમાં વિપક્ષી દળે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂની મુલાકાત લીધી હતી અને તેમને મહાભિયોગ ડ્રાફ્ટ સોંપ્યો હતો.
આ પહેલા સિક્કિમ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીડી દિનાકરણ સામે વર્ષ 2009માં રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની પ્રક્રિયા આગળ વધે તે પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત હાઈકોર્ટના અન્ય એક ચીફ જસ્ટિસ અને અન્ય એક જજ વિરુદ્ધ પણ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં રજૂ થઈ ચુક્યો છે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂક બાદ તેને મહાભિયોગ પ્રસ્તાવ લાવીને બંને ગૃહમાં બે તૃતિયાંસ બહુમતિથી હટાવી શકાય છે. પરંતુ આ અંગે પણ અનેક નિયમ છે.
બંધારણ શું કહે છે?
– બંધારણની કલમ 124(4) પ્રમાણે એક વખત ચીફ જસ્ટિસની નિમણૂક બાદ તેમને હટાવવાની પ્રક્રિયા સંસદ દ્વારા જ શક્ય છે. સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવીને આ પ્રક્રિયા શરૂ કરી શકાય છે. – મહાભિયોગ પ્રસ્તાવને સંસદના બંને ગૃહમાં બે તૃતિયાંસ બહુમતિથી પસાર કરવો જરૂરી છે. – સાથે જ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળવી જરૂરી છે. – મહાભિયોગ માટે યોગ્ય પુરાવા જરૂરી છે. – આના બાદમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી આ અંગે આદેશ બહાર પાડી શકાય છે. – જો આવું નહીં થાય તો ચીફ જસ્ટિસ 65 વર્ષની ઉંમર સુધી આ પદ પર રહી શકે છે. – જજ (ઇન્કવાયરી) એક્ટ 1968 પ્રમાણે ચીફ જસ્ટિસ તેમજ અન્ય કોઈ જજને ફક્ત ગેરરીતિ અથવા અસક્ષમતાના આધાર પર જ હટાવી શકાય છે. પરંતુ આ બંનેની વ્યાખ્યા સ્પષ્ટ નથી. જોકે, આમાં ગુનાહિત પ્રવૃત્તિ અને કાયદાકીય અનૈતિકતાનો સમાવેશ થાય છે.
શું છે પ્રક્રિયા?
ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના 100 અને રાજ્યસભાના 50 સભ્યોના હસ્તાક્ષર વાળો ડ્રાફ્ટ રજૂ કરવો જરૂરી છે. આના બાદમાં આ ડ્રાફ્ટ કે પ્રસ્તાવ સંસદના કોઈ એક ગૃહમાં રજૂ કરવાનો હોય છે. બાદમાં તેને રાજ્યસભાના ચેરમેન અથવા લોકસભાના સ્પીકરને સોંપવામાં આવે છે.
– રાજ્યસભાના ચેરમેન અથવા લોકસભાના સ્પીકર આ પ્રસ્તાવને મંજૂર કે નામંજૂર કરી શકે છે.
– જો રાજ્યસભાના ચેરમેન અથવા લોકસભાના સ્પીકર આ અંગે મંજૂરી આપે છે તો આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટિ નિમવામાં આવે છે. આ કમિટિમાં સુપ્રીમ કોર્ટના એક જજ, એક હાઈકોર્ટના જજ અને એક આ પ્રક્રિયાના જાણકાર (જજ, વકીલ કે સ્કોલર) સામેલ હોય છે.
– જો કમિટિને લાગે છે કે જજ સામેના આક્ષેપમાં વજુદ છે તો તેઓ ગૃહમાં રિપોર્ટ રજૂ કરી શકે છે. બાદમાં આ રિપોર્ટને બીજા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.
– જો આ રિપોર્ટને બંને ગૃહમાં બે તૃતિયાંસ બહુમત મળે છે તો મહાભિયોગ પાસ થઈ જાય છે.
– આના બાદમાં રાષ્ટ્રપતિ પોતાના અધિકારનો ઉપયોગ કરીને ચીફ જસ્ટિસને હટાવવાનો આદેશ કરી શકે છે.
– રાજ્યસભામાં કોંગ્રેસ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરાવવામાં સફળ રહી શકે છે, પરંતુ લોકસભામાં વિપક્ષ પ્રસ્તાવ પસાર કરાવી શકે તેવી સ્થિતિમાં નથી. એટલા માટે આ પ્રસ્તાવ પસાર થવાની કોઈ સંભાવના નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર