Home /News /national-international /રાજકારણમાં પ્રવેશને લઈને 10 વર્ષમાં આવી રીતે બદલાયું પ્રિયંકા ગાંધીનું મન!

રાજકારણમાં પ્રવેશને લઈને 10 વર્ષમાં આવી રીતે બદલાયું પ્રિયંકા ગાંધીનું મન!

પ્રિયંકા ગાંધી ફાઇલ તસવીર

10 વર્ષ પહેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, "સાચું કહું તો હું મક્કમ છું કે હું રાજકારણમાં આવવા નથી માંગતી."

  રશીદ કિદવઈ : સક્રિય રાજકારણમાં પ્રવેશ કરનારા પ્રિયંકા ગાંધીએ 24મી એપ્રિલ, 2009ના રોજ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "સાચું કહું તો હું મક્કમ છું કે હું રાજકારણમાં આવવા નથી માંગતી. હું મારી આ જિંદગીથી ખુશ છું. મને લાગે છે કે રાજકારણમાં કંઈક એવું છે, જે મારી સાથે મેળ નથી ખાતું."

  જોકે, પ્રિયંકાની આવી વાત પછી પણ કોંગ્રેસના અમુક નેતાઓને લાગતું હતું કે પ્રિયંકા પોતાની વાત પર અડગ નહીં રહી શકે. બુધવારે જ્યારે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી ત્યારે કોંગ્રેસના અનેક નેતાઓ પર ખુશી હતી.

  લખનઉનું નહેરુ ભવન હોય કે પછી દિલ્હીનો 24 અકબર રોડ...બંને જગ્યાએ અનેક નેતાઓને લાગે છે કે રાજકારણમાં પ્રિયંકા ગાંધીની અસર ફક્ત પૂર્વ ઉત્તર પ્રદેશ પૂરતી સિમિત નહીં રહે.

  આ પણ વાંચો : રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી!

  લોકસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી છે. એવામાં પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી બીજેપી-એનડીએ અને થર્ડ ફ્રન્ટ માટે એક ઝટકા સમાન છે.

  પ્રિયંકાને રાજકારણમાં લાવવા પાછળ કોંગ્રેસનો ઉદેશ્ય ઉત્તર પ્રદેશમાં સતત મળી રહેલી હાર બાદ હતાશ થઈ ગયેલા કોંગ્રેસી કાર્યકરોના ઉત્સાહમાં પ્રાણ ફૂંકવાનો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં જો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની વાપસી ચોક્કસ મુશ્કેલ બનશે.

  આ પણ વાંચો : પ્રિયંકા ગાંધી : UPની દીકરી અને વહુ પણ, જાણો કેવી છે પ્રિયંકાની અંગત જિંદગી

  ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નેહરુ


  કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે કે નેહરુ-ગાંધીનો પરિવારના સભ્યો જોડીમાં કામ કરતો રહે છે. એવામાં આ પ્રથમ વખત નથી બન્યું જ્યારે પરિવારના બે સભ્યો કોઈ ઉચ્ચ પદ પર બીરાજમાન હોય.

  વર્ષ 1959માં જ્યારે જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા ત્યારે ઇન્દિરા ગાંધીને પાર્ટીના અધ્યક્ષા બનાવવામાં આવ્યા હતા. અનેક લોકોનું માનવું હતું કે નહેરુએ પોતાની દીકરીને આગળ વધારવા માટે આવું કર્યું છે, જ્યારે કોંગ્રેસના નેતાઓનું માનવું હતું કે ઇન્દિરાએ પોતાની મહેનત અને ક્ષમતાને ધોરણે આ પદ મેળવ્યું છે.

  1960માં તેમનો કાર્યકાળ પૂરો થયો ત્યારે કોંગ્રેસની કાર્યકારી કમિટીએ તેમને બીજી વખત ચૂંટણી લડવાનું કહ્યું હતું, પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો હતો.

  બીજી તરફ 1974થી 1980 સુધી સંજય ગાંધીને કોંગ્રેસમાં કોઈ ઔપચારિક પદ લીધું ન હતું (તેઓ બહુ ઓછા સમય માટે કોંગ્રેસના મહાસચિવ બન્યા હતા) પરંતુ સંગઠન તેમજ વહીવટની બાબતમાં તેમને ઇન્દિરાના સમકક્ષ માનવામાં આવતા હતા. જૂન, 1980માં પ્લેન ક્રેશમાં મોતના થોડા અઠવાડિયા પહેલા તેમના સહયોગી રામ ચંદ્ર રથ તેમને પાર્ટીના અધ્યક્ષ તરીકે જોવા માંગતા હતા.

  રથ કહેતા હતા, "સુભાષ ચંદ્ર બોસ અને જવાહરલાલ નેહરુ બહું નાની ઉંમરમાં AICCના નેતા બની ગયા હતા. એવામાં જો પાર્ટી એમને (સંજય ગાંધીને)" અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢે છે તો આ વાત બિલકુલ લોકતાંત્રિક કહેવાશે. આમાં કંઈ ખોટું નથી."

  રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી


  સંજયના ભાઈ રાજીવ ગાંધી વર્ષ 1983માં કોંગ્રેસના મહાસચિવ બન્યા હતા. આ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. તેમને 24, અકબર રોડમાં ઇન્દિરા ગાંધીના બાજુનો રૂમ આપવામાં આવ્યો હતો. રાજીવ ગાંધીની વાતોનું વજન પડતું હતું. ઇન્દિરા ગાંધી સરકારના અનેક મંત્રીઓ તેમની ઓફિસ બહાર તેમને મળવા માટે રાહ જોતા હતા.

  2006થી 2014 સુધી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો કાર્યકારી સંબંધ જોવા મળ્યો જેમાં યૂપીએના મંત્રીઓને રાહુલ ગાંધીને ઓફિસ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા ન હતા.

  પ્રિયંકા ગાંધીની ભૂમિકા શું હશે?

  યૂપીએના 10 વર્ષની સરકાર દરમિયાન રાહુલ ગાંધીનું કદ વધ્યું ન હતું. આ દરમિયાન રાહુલની અસ્પ્ષ્ટ, અનિચ્છુક અને ગંભીર ન હોય તેવા નેતા તરીકેની છભી ઉભરી હતી. એવામાં રાહુલ માટે સૌથી મોટો પડકાર એ હતો કે તે પોતાની જાતને વિશ્વસનીય નેતા તરીકે પ્રસ્થાપિત કરે. તેમણે એવું પણ સાબિત કરવું હતું કે તેઓ બીજેપીને હરાવવા માટે કટીબદ્ધ છે. 11 ડિસેમ્બર, 2018ના રોજ કંઈક આવું જ જોવામાં આવ્યું હતું. પાર્ટીએ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પૂર્ણ બહુમતની સરકાર રચી હતી.

  સોનિયા અને રાહુલ ગાંધી


  ભારતની આઝાદીના 72 વર્ષમાંથી 59 વર્ષ સુધી ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ કર્યું છે. જવાહરલાલ નેહરુથી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી સુધી ગાંધી પરિવારનો કોઈ સભ્ય અસફળ નથી રહ્યો તેમજ રાજકારણમાંથી અચાનક બહાર પણ નથી થયા. આ માટે જ કોંગ્રેસના નેતાઓને ગાંધી પરિવાર પર પૂરી આસ્થા છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના નેતાઓની આ આસ્થાને જાળવી રાખવી પડશે.

  પ્રિયંકાએ અનેક વખત કહ્યું છે, "મારા ભાઈની મદદ માટે હું કંઈ પણ કરીશ.." પ્રિયંકાની આખી રાજનીતિ રાહુલ ગાંધીને સફળ બનાવવાની આસપાસ રહી છે. રાહુલના નેતૃત્વને પ્રિયંકાના રાજકારણમાં ઔપચારિક પ્રવેશની જરૂરિયાત હતી. એવામાં 10 વર્ષ પહેલા ઇન્ટરવ્યૂમાં કહેલી વાતને ભૂલીને નાની બહેને રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: General election 2019, Lok sabha election 2019, Priyanka gandhi, Sonia Gandhi, ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી

  विज्ञापन
  विज्ञापन