હાફિઝ સઇદની ધરપકડ કરીને દુનિયાને આ રીતે મૂર્ખ બનાવતું રહ્યું છે પાક.

હાફિઝ સઇદ

પાકિસ્તાન હાફિઝ સઈદને અનેક વખત પકડી ચુક્યું છે, પરંતુ દર વખતે તેને છોડી મૂકવામાં આવે છે.

 • Share this:
  મુંબઈમાં 26/11 સહિત ભારતમાં અનેક મોટા આતંકી હુમલાને અંજામ અપનારા વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાને ફરી એક વખત પકડ્યો છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે જમાત-ઉદ-દાવાનો મુખિયા હાફિઝ પંજાબના લાહોરથી ગુજરાવાલા જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ટેરર ફન્ડિંગ મામલે પંજાબ પોલીસના સીટીડી (Counter Terrorism Department) વિભાગે તેની ધરપકડ કરી છે. બે દિવસ પહેલા આ સાથે જોડાયેલા એક કેસમાં તેને જામીન મળ્યાં હતાં.

  જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઈદ દુનિયાના ખૂંખાર આતંકીઓની યાદીમાં સામેલ છે. તે ભારત, અમેરિકા સહિત અનેક દેશમાં વોન્ટેડ છે. પાકિસ્તાનના પંજાબના સરગોધામાં જન્મેલો હાફિઝ સઇદ લશ્કર-એ-તોઇબાનો પણ પ્રમુખ છે. જમાત-ઉદ-દાવાએ લશ્કર-એ-તોઇબાનું જ એક ભાગ છે.  પાકિસ્તાનમાં ચૂંટણી લડી

  69 વર્ષીય હાફિઝ સઈદ અનેક બીમારીઓથી પીડિત છે. ગત દિવસોમાં સમાચાર આવ્યા હતા કે તેનો મોટાભાગનો સમય હોસ્પિટલોમાં પસાર થાય છે. ગત દિવસોમાં પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન હાફિઝ સઇદે પોતાની રાજકીય પાર્ટી પણ બનાવી હતી. જોકે, તેની પાર્ટી ભૂંડી રીતે હારી હતી. તેની પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી.


  હાફિઝના 300થી વધારે મદરેસા

  હાફિઝ સઇદને રાજકીય રક્ષણ મળેલું હોવાથી તે ખુલ્લઆમ ફરી રહ્યો છે. તે દાવો કરે છે કે તેનું સંગઠન સામાજિક કામ કરે છે. હાફિઝનું આ સંગઠન પાકિસ્તાનમાં 300થી વધારે મદરેસા અને સ્કૂલો ચલાવે છે. આ મદરેસાની આડમાં તે ટેરર ફન્ડિંગનું કામ કરાવે છે.

  જમાત-ઉદ-દાવાનું પોતાનું પ્રકાશન છે, જેના દ્વારા તે કુપ્રચારના પત્રો-પત્રિકાઓ જાહેર કરતો રહે છે. આ ઉપરાંત જમાતની પોતાની હોસ્પિટલો પણ છે. તે એમ્બ્યુલન્સ સેવા પણ આપે છે. જમાત-ઉદ-દાવા પાસે ઓછામાં ઓછા 50 હજાર સ્વયંમસેવકો છે, અને પગાર મેળવતા સેંકડો આતંકીઓ પણ છે. આના માધ્યમથી તે ખાડીના દેશો પાસેથી પુષ્કળ દાન મેળવે છે, આ પૈસાનો ઉપયોગ તે ભારત વિરુદ્ધ આતંક ફેલાવવામાં કરે છે. હાફિઝ સઇદ ઘણા લાંબા સમયથી આ કામ કરે છે.  નાના કેસોમાં વારે વારે પકડાતો રહે છે હાફિઝ

  સંયુક્ત રાષ્ટ્ર સંઘે જેને વૈશ્વિક આતંકીની યાદીમાં મૂક્યો છે તે હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. જોકે, બીજી હકીકત એવી છે કે પાકિસ્તાનમાં તેને ગ્લોબલ આતંકી હોવાને કારણે એક પણ વખત ધરપકડ કરવામાં આવી નથી. જ્યારે પણ તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની સામે નાનો કેસ દાખલ કરવામાં આવ્યો અને બાદમાં તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. હકીકતમાં પાકિસ્તાન થોડાં થોડાં દિવસોએ આવું કરીને દુનિયાને મુર્ખ બનાવવાનો પ્રયાસ કરતું રહ્યું છે.

  શું છે આખું નેટવર્ક?

  જમાત-ઉદ-દાવાની આર્થિક ગતિવિધિઓનું સંચાલન ફલાહ-એ-ઇન્સાનિયત નામનું સંગઠન કરે છે. આ સંગઠનના મધ્યમથી જ જમાત-ઉદ-દાવા દાન એકઠું કરે છે. આખા પાકિસ્તાનમાં આ સંગઠન અને તેનું નેટવર્ક ફેલાયેલું છે.

  જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તોઇબાને વર્ષ 2008માં સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધિત કરી દીધું હતું. અમેરિકામાં જૂન 2014માં જમાત-ઉદ-દાવાને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. હાફિઝનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં પણ સામેલ છે.  હાફીઝ સઇદે વર્ષ 2008માં મુંબઈ પર આતંકી હુમલો કરાવ્યો હતો, જેમાં 166 લોકોનાં મોત થયા હતા. વર્ષ 2001માં ભારતની સંસદ પર થયેલા હુમલામાં પણ તેને માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. 2006માં મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલા શ્રેણીબદ્ધ હુમલા પાછળ પણ તેનો હાથ હતો.

  વૈશ્વિક દબાણને કારણે પાકિસ્તાન સરકારે અનેક વખત તેની ધરપકડ કરી હતી. જોકે, રાજકીય અને સેના સાથેના સારા સંબંધોને કારણે તે દર વખતે છૂટી જાય છે. 2009માં ઇન્ટરપોલે તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે, છતાં તે ઠેરઠેર ખુલ્લેઆમ ફરતો રહ્યો છે. તે અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ પણ લે છે અને ભારત વિરુદ્ધ ઝેર પણ ઓકતો રહે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: