Home /News /national-international /સાઉદી અરેબિયા, ઓમાન, કતાર અને કુવૈત સહિતના ખાડી દેશો ભારત માટે કેટલા મહત્વના છે?

સાઉદી અરેબિયા, ઓમાન, કતાર અને કુવૈત સહિતના ખાડી દેશો ભારત માટે કેટલા મહત્વના છે?

સાઉદી અરેબિયા, ઓમાન, કતાર અને કુવૈત સહિતના ખાડી દેશો ભારત માટે કેટલા મહત્વના છે?

India and Gulf countries : 2021-2022 દરમિયાન ભારતમાં સૌથી વધુ ક્રૂડ ઇરાકે નિકાસ કર્યું હતું. ઇરાકનો હિસ્સો 2009-2010માં 9 ટકાથી વધીને 22 ટકા થયો હતો. જ્યારે સાઉદી અરબન 17-18 ટકા હિસ્સો ધરાવે છે.

India and Gulf countries : મોહમ્મદ પયગંબર અંગે ભાજપ (BJP)ના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા (Nupur sharma)એ આપેલા નિવેદનથી રોષની લાગણી જોવા મળી છે. આ સાથે કતાર, સાઉદી આરબ, ઓમાન, બહેરીન, કુવૈત, ઇરાક અને યુએઈ સહિતના અરબ દેશો (Arab countries)એ વાંધો ઉઠાવ્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા નૂપુર શર્માને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, ભારતીય વિદેશ મંત્રાલયે આ તમામ દેશોને સ્પષ્ટ કરી દીધું છે કે નૂપુર શર્માએ જે નિવેદન આપ્યું છે તે તેમનું વ્યક્તિગત હતું અને તેને ભારત સરકાર સાથે કોઈ લેવાદેવા નથી.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ઓઆઈસી સચિવાલય દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી અને ટૂંકી વિચારસરણીની કોમેન્ટને ભારત ફગાવે છે. ભારત સરકાર તમામ ધર્મોનું સન્માન કરે છે.

આરબ દેશોએ ઉઠાવેલા વાંધાથી શું અસર થશે? ભારત માટે આ દેશ કેટલા મહત્વપૂર્ણ છે? તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

શું છે આખો વિવાદ?

27 મેના રોજ નેશનલ ટીવી ચેનલ પર વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઇને ચર્ચા ચાલી રહી હતી. જેમાં ભાજપ તરફથી પ્રવક્તા તરીકે નૂપુર શર્માએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કરેલી કોમેન્ટ્સ બાબતે વિવાદ થઇ રહ્યો છે. 1 જૂનના રોજ મહારાષ્ટ્રમાં નૂપુર શર્મા પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 જૂનના રોજ બીજો કેસ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો. આ દરમિયાન 5 જૂને ભાજપના મહાસચિવ અરુણ સિંહે કહ્યું હતું કે, પાર્ટી કોઈ પણ સંપ્રદાય અથવા ધર્મનું અપમાન કરનારી કોઈ પણ વિચારધારાની વિરુદ્ધ છે. આ વાતને થોડા કલાકો પછી, નૂપુર શર્માને પાર્ટીના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

ભારત પર શું થશે અસર?

ઇન્ડિયન એક્સપ્રેસે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ભારતીય દૂતાવાસને ટાંકીને જણાવ્યું હતું કે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ભારતનું મોટું વેપારી ભાગીદાર તરીકે સામે આવ્યું છે. GCCમાં સાઉદી અરેબિયા, ઓમાન, કતાર, કુવૈત, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોનો સમાવેશ થાય છે. GCC દેશોનો ક્રૂડ ઓઇલ અને ગેસનો ભંડાર ભારતીય ઊર્જા જરૂરિયાતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, 2021-22માં યુએઈ ભારતનું ત્રીજું સૌથી મોટું, સાઉદી અરેબિયા ચોથા નંબરનું અને ઈરાક પાંચમું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર હતું. કતારની વાત કરીએ તો તે ભારતના કુલ વેપારના માત્ર 1.4 ટકા છે, પરંતુ તે ભારત માટે નેચરલ ગેસનો સૌથી મહત્વપૂર્ણ સપ્લાયર છે

ભારત કેટલું ક્રૂડ આયાત કરે છે?

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, ભારતની પેટ્રોલિયમની 84 ટકાથી વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. ભારતે વર્ષ 2021-22માં 42 દેશોમાંથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. 2006-07માં આ સંખ્યા 27 દેશની હતી. ભારતમાં ક્રૂડ આયાતમાં આયાતમાં ટોચના 20 દેશોનો ફાળો 95 ટકાથી વધુ છે અને ટોચના 10 દેશોનો ફાળો 80 ટકાથી વધુ છે.

અહીં નોંધનીય છે કે, 2021-2022 દરમિયાન ભારતમાં સૌથી વધુ ક્રૂડ ઇરાકે નિકાસ કર્યું હતું. ઇરાકનો હિસ્સો 2009-2010માં 9 ટકાથી વધીને 22 ટકા થયો હતો. જ્યારે સાઉદી અરબન 17-18 ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ વર્ષ 2009-2010માં ઈરાન ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ક્રૂડ નિકાસકાર દેશ હતો, પરંતુ અમેરિકાના પ્રતિબંધોને કારણે ઈરાનનો હિસ્સો ઘટીને 1 ટકાથી પણ ઓછો થઈ ગયો છે.

સાઉદી અરેબિયા હાલમાં ભારતને ક્રૂડ ઓઇલનો ચોથો સૌથી મોટો સપ્લાયર છે. ઈરાક પહેલા નંબરે, અમેરિકા બીજા અને નાઈજીરિયા ત્રીજા નંબરે છે. જ્યારે ભારતથી સાઉદી અરબમાં ખાદ્ય પદાર્થો મોકલવામાં આવે છે.

ખાડી દેશોમાં કેટલા ભારતીયો કામ કરે છે?

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ખાડી દેશોમાં 1.34 કરોડ ભારતીયો કામ કરે છે. યુએઈમાં 34.2 લાખ, સાઉદી અરેબિયામાં 26 લાખ અને કુવૈતમાં 10.03 લાખ ભારતીયો કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોપયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણીઃ કતારમાં ભારતીય રાજદૂતને બોલાવવામાં આવ્યા, ભારતે કહ્યું- અમારા દેશમાં દરેક ધર્મનું સન્માન છે

વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2020માં ભારત વિદેશથી નાણાં મોકલવા બાબતે સૌથી મોટો દેશ હતો. તે વર્ષે 83.15 અબજ ડોલર જેટલી રકમ ભારતમાં મોકલાઈ હતી. આમાં સૌથી મોટો ફાળો એ ખાડીમાં વસતા ભારતીય ડાયસ્પોરાનો છે. નવેમ્બર 2018માં, ભારતીય રિઝર્વ બેંકે અહેવાલ આપ્યો હતો કે, 2016-17માં ભારતને મળેલા કુલ 69 અબજ ડોલરના રેમિટન્સમાં GCC દેશોનો હિસ્સો 50 ટકાથી વધુ છે. જેમાં યુએઈ 26.9 ટકા, સાઉદી અરેબિયા 11.6 ટકા, કતાર 6.4 ટકા, કુવૈત 5.5 ટકા અને ઓમાન 3 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
First published:

Tags: Kuwait, Oman, Qatar, Rest of The world News, Saudi arabia, World news, World News in gujarati, ભારત