Home /News /national-international /

મધ્ય પ્રદેશમાં હાર્દિક પટેલના પ્રવાસથી કોંગ્રેસને થશે આ ફાયદો!

મધ્ય પ્રદેશમાં હાર્દિક પટેલના પ્રવાસથી કોંગ્રેસને થશે આ ફાયદો!

હાર્દિક પટેલ - ફાઇલ તસવીર

  ઓમ પ્રકાશ

  મધ્ય પ્રદેશનું મંદસૌર ખેડૂતોના આંદોલનને કારણે ફરી ચર્ચામાં છે. મધ્ય પ્રદેશમાં નવેમ્બર સુધીમાં ચૂંટણી યોજનાર છે. કોંગ્રેસ અહીં ઘણા વર્ષોથી સત્તામાં આવવા માટે પ્રયાસો કરી રહી છે. આ માટે હવે તે ખેડૂતોના ખભા પર સવાર થઈને સત્તા મેળવવા માગે છે. આ માટે જ બુધવારે રાહુલ ગાંધી મંદસૌર પહોંચ્યા છે. અહીં તેમણે વર્ષ પહેલા ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા છ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો પાટિદાર નેતા હાર્દિક પટેલ પહેલાથી જ મધ્ય પ્રદેશમાં સક્રિય છે. હાર્દિક 7 અને 8મી જુનના રોજ જબલપુર અને સતનામાં રેલી કરવાનો છે.

  હવે સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પટેલની મધ્ય પ્રદેશ યાત્રાથી કોંગ્રેસને શું ફાયદો છે? શું હાર્દિક પટેલ પાટીદારોના મતોનું કોંગ્રેસના પક્ષમાં ધ્રુવિકરણ કરી શકશે? ગુજરાતની ચૂંટણીમાં પટેલોનું કોંગ્રેસને સમર્થન મળી ચુક્યું છે. હાર્દિક પટેલ આ પહેલા સાગર અને ભોપાલમાં કાર્યક્રમ કરી ચુક્યો છે.

  રાજકીય વિશ્લેષકોનું માનીએ તો રાજકીય મનસા પાર પાડવાના હેતુથી જ અહીં મોદી વિરોધીઓનો જમાવડો થઈ રહ્યો છે. આઠમી જૂનના રોજ પણ અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રવીણ તોગડિયા, યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા ખેડૂત આંદોલનના માધ્યમથી મોદી પર નિશાન તાકશે.  હકીકતમાં પાટીદારોની બહુમતિ ધરાવતો મંદસૌર વિસ્તાર જનસંઘના સમયથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગઢ રહ્યો છે. હવે અહીંના ખેડૂતો રાજનીતિનું કેન્દ્ર બની ગયા છે. આ માટે જ હાર્દિક અને પ્રવીણ તોગડિયાના પ્રવાસ પાછળ રાજકીય ઉદેશ્ય હોવાનું કહેવામાં આવે છે. મંદસૌર અને પાટીદાર સમાજનો જૂનો સંબંધ છે. અખિલ ભારતીય ઓબીસી મહાસભાની જબલપુર શાખાના અધ્યક્ષ ઇંદ્ર કુમાર પટેલે દાવો કર્યો છે કે મધ્ય પ્રદેશની 220માંથી 50 એવી બેઠક છે જેના પર પાટીદારોના વોટ પ્રભાવી છે. કોંગ્રેસ આનો ફાયદો ઉઠાવી શકે છે.

  પાટીદાર સમાજ ક્યારેક બીજેપીની ખૂબ નજીક મનાતો હતો, પરંતુ ગુજરાત પછી હવે બીજેપીના સૌથી મજબૂત અને જૂના ગઢમાં પાટીદારોએ સત્તાધારી પાર્ટી સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસ આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગે છે, આ માટે જ તેના અધ્યક્ષ અહીં આવે છે.  કોંગ્રેસ અહીં છેલ્લા 15 વર્ષથી સત્તાથી બહાર છે. આ વખતે કોંગ્રેસ ખેડૂતોનો મુદ્દો બનાવીને સત્તા પર આવવા માંગે છે. મંદસૌર ફાયરિંગને એક વર્ષ પૂરુ થવા પર કોંગ્રેસ આ મુદ્દાને ફરી ઉઠાવી રહી છે. પહેલી જૂનથી ખેડૂતોનું 10 દિવસનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન દરમિયાન જ અહીં કોંગ્રેસે સભા રાખી છે. પહેલા ખેડૂત સંગઠનોએ છઠ્ઠી જૂનને શહીદ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીનો કાર્યક્રમ ત્યાર બાદ નક્કી થયો હતો.

  હકીકતમાં મધ્ય પ્રદેશમાં વિરોધનું પ્રથમ બીજ ત્યારે જ રોપાઇ ગયું હતું જ્યારે સરકારે જમીન અધિગ્રહણ માટે નવો કાયદો ઘડ્યો હતો. 2017માં ખેડૂતો પર ફાયરિંગે તેમાં આગ લગાડવાનું કામ કર્યું હતું. મંદસૌરમાં માર્યા ગયેલા લોકોમાંથી ચાર પાટીદાર સમાજના હોવાનું કહેવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના અસંતોષને કારણે પાટીદાર સમાજ ધીમે ધીમે બીજેપીથી વિમુખ થઈ રહ્યો છે.

  1962માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 361 બેઠક પર જીત મેળવી હતી. ભારતીય જન સંઘે આ ચૂંટણીમાં ફક્ત 14 બેઠક જીતી હતી. આ 14 બેઠકમાં મધ્ય પ્રદેશના મલાવા વિસ્તારની મંદસૌર અને દેવાસ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે માલવાના ભાજપના ગઢમાં પાટીદારોની વસતી અઢીથી ત્રણ લાખ જેટલી છે. રાજ્યમાં તેમની કુલ વસતી 60 લાખ જેટલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Madhya pradesh, પાટીદાર, ભાજપ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन