પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરની સાથે મારપીટ બાદ શરૂ થયેલી હડતાળ દેશભરમાં દેખાઇ રહી છે. રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યમાં ડોક્ટરનું પ્રદર્શન સતત ચાલું છે, આ દરમિયાન કેન્દ્ર સરકારે સમગ્ર મુદ્દે મમતા સરકારને એડવાઇઝરી જાહેર કરી છે.
ગૃહમંત્રાલયે એડવાઇઝરીમાં કહ્યું છે કે ડોક્ટરની હડતાળની અસર સમગ્ર દેશમાં પડી રહી છે. આ મામલે મંત્રાલયે ડોક્ટરો, સ્વાસ્થ્ય તજજ્ઞો અને મેડિકલ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. આ લોકો પોતાની સુરક્ષાને લઇને ખુબ જ ચિંતિત છે. પશ્ચિમ બંગાળ સરકાર સાથે આ મામલે અપીલ કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જ પગલા લેવામાં આવે.
તો આ મુદ્દે સીએમ મમતા બેનર્જીએ ઇમરજન્સી બેઠક બોલાવી છે, આ બેઠકમાં એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ સિન્હા પણ હાજર છે, રાજ્યમાં ડોક્ટરોની હડતાળ પર કેવી રીતે કાબુ મેળવવામાં આવે અને મેડિકલ સેવાઓને કેવી રીતે પૂર્વવત કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે એક સપ્તાહમાં બીજી એડવાઇઝરી જાહેર કરી છે, આ પહેલા 9 જુને પશ્ચિમ બંગાળમાં થઇ રહેલી હિંસાને લઇ ગૃહમંત્રાલયે મમતા સરકારને પુછ્યું કે અત્યારસુધી રાજ્યમાં એવી ઘટનાઓ રોકવા માટે કેવા પગલા લેવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયે એમ પણ પુછ્યું કે તેઓએ થોડા દિવસ પહેલા જે એડવાઇઝરી જાહેર કરી હતી તેને લઇને રાજ્યમાં કાયદો વ્યવસ્થા સુધારવા માટે સરકારે કેવા પગલા લીધા છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર