(શંકર આનંદ)
ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં દિલ્હી પોલીસ કમિશ્નરના નામની જાહેરાત કરી શકે છે. મળતા અહેવાલ મુજબ, ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશ્નર બની શકે છે. ગૃહ મંત્રાલયના વિશેષ સૂત્રોએ જણાવ્યું કે, દિલ્હી પોલીસ કમિશ્નરની રેસમાં રાકેશ અસ્થાના સૌથી આગળ ચાલી રહ્યા છે. હાલ, દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે અમુલ્ય પટનાયક છે.
સીબીઆઈમાં સેકન્ડ નંબરના અધિકારી રહી ચૂકેલા રાકેશ અસ્થાના અને સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્મા સામેના ટકરાવ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. આ વિવાદ બાદ મોદી સરકારે અસ્થાનાને રજા પર ઉતારી દીધા હતા. બાદમાં તેમને સિવિલ એવીએશન સિક્યોરિટી બ્યૂરોના મહાનિદેશક તરીકે નિમવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પોસ્ટિંગ દરમિયાન રાકેશ અસ્થાનાએ ઘણા હાઇપ્રોફાઇલ મામલાઓની તપાસ કરી છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ અસ્થાનાએ કરી હતી. આસારામ બાપુ અને નારાયણ સાંઈના કેસની તપાસ પણ રાકેશ અસ્થાનાએ કરી છે. બિહારના બહુચર્ચિત ચારા કૌભાંડની તપાસ કરવાના કારણે સમગ્ર દેશ રાકેશ અસ્થાનાને ઓળખવા લાગ્યો હતો.
ગુજરાત કેડરના અને 1984 બેચના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના મૂળે ઝારખંડના વતની છે. ઝારખંડમાં આવેલી નેતરહાટથી રાકેશ અસ્થાનાએ પોતાની સ્કૂલનો અભ્યાસ કર્યો છે. રાકેશ અસ્થાનાએ બિહાર-ઝારખંડમાં પણ ઘણા લાંબા સમય સુધી કાર્યરતા રહ્યા છે.