કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શનિવારે લખનઉમાં એક જાહેર સભાને સંબોધન કરતા ભગવાન રામ અને કૃષ્ણને લઈને અચરજ પમાડે તેવું નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું હતું કે, દેશમાં આઝાદી પહેલાથી રાજનીતિ થતી આવી છે. તેમણે કહ્યું, 'ભગવાન રામ અને કૃષ્ણ પર રાજકારણ કરતા હતા. રામના રાજકારણનો ઉદેશ્ય 'રામ રાજ્ય' સ્થાપવાનો હતો.'
નોંધનીય છે કે તાજેતરમાં જ મોદીએ બીજેપી નેતાઓ અને મંત્રીઓને બેજવાબદાર નિવેદનો આપવાથી દૂર રહેવાની સલાહ આપી હતી. જોકે, મોદીની સલાહને અવગણીને બીજેપી નેતાઓ આવા નિવેદન કરી રહ્યા છે.
રાજનાથ પહેલા ત્રિપુરાના સીએમ અને બીજેપીના નેતા બિપ્લબ દેવે પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. બિપ્લબ દેવે મહાભારતકાળમાં ઇન્ટરનેટ અને સેટેલાઇટ ફોન હોવા અંગેનો દાવો કર્યો હતો. બાદમાં તેમણે પૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડનને લઈને વાંધાજનક નિવેદન આપ્યું હતું. જેના કારણે તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.
મોદીએ નમો એપના માધ્યમથી સીધી વાત કરતી વખતે બેજવાબદાર ભાષણ આપનારા બીજેપીના નેતાઓ અને મંત્રીઓની ટીકા કરી હતી. પીએમ મોદીએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, અમુક નેતાઓ બેજવાબદાર ભાષણ આપીને મીડિયાને 'મસાલો' પૂરો પાડી રહ્યા છે. બાદમાં વિવાદ માટે મીડિયાને જવાબદાર ગણાવે છે. મોદીએ કહ્યું હતું કે મીડિયા પોતાનું કામ કરે છે.
મોદીએ બીજેપી નેતાઓને ચેતવણી આપી હતી કે તેમણે આવા નિવેદનો આપવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે આવા નિવેદનોથી પાર્ટીની છબિ ખરાબ થઈ રહી છે. જોકે, બીજેપી નેતાઓ પર મોદીની સલાહની કોઈ અસર થઈ હોય એવું લાગી રહ્યું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર