J&K: હિઝબુલના આતંકીએ મેજરનો ફેંક્યો પડકાર, આર્મીએ કલાકોમાં કર્યો ઠાર

  • Share this:
    જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકી ટાઇગર સામે સેનાએ કરેલી કાર્યાહીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક મિનિટ જેટલા સમયનો આ વીડિયો એક જવાને કાર્યવાહી દરમિયાન પોતાની ગાડીમાંથી શૂટ કર્યો છે. સમીર ટાઇગર આતંકી જૂથ હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર તેમજ દક્ષિણ કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હતો.

    વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઘરને આર્મીના વાહનોએ ચારે તરફથી ઘેરી લીધું છે. આર્મીના એક વાહનમાંથી ઘર પર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટવામાં આવે છે. બાદમાં એક બોમ્બ બ્લાસ્ટ થાય છે અને આખું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ જાય છે. બાજુમાં આવેલા અખરોટના ઝાડમાં પણ આગ લાગી જાય છે.

    ધરમાં આગ લાગી જવાને કારણે હંમેશા પોતાની પાસે US બનાવટની M16 રાઇફલ રાખતો આતંકી ટાઇગર ઘરની છત પર આવ્યો હતો. આ વખતે ઓપરેશનમાં જોડાયેલા અમુક સૈનિકો "ટાઇગર ત્યાં છે" એવું બોલતા સાંભળવા મળે છે. ટાઇગર છત પરથી ભાગવાનો પ્રયાસ કરતા સૈનિકોએ તેને ઠાર કર્યો હતો.

    ટાઇગરે ફેંક્યો હતો પડકાર

    ટાઇગરને ઠાર કરવાનું ઓપરેશન શરૂ થયાની થોડી કલાકો પહેલા સોશિયલ મીડિયામાં ટાઇગરનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેણે આર્મી ઓફિસર મેજર રોહિત શુક્લાને પડકાર ફેંક્યો હતો. આર્મીના બાતમીદાર હોવાની આશંકાના આધાર પર એક સ્થાનિકની પૂછપરછ દરમિયાન ટાઇગરે આ વ્યક્તિને મેજર શુક્લાને એક સંદેશ પહોંચાડવા કહ્યું હતું. ટાઇગરે વ્યક્તિને કહ્યું હતું કે, 'ટાઇગરે શિકાર કરવાનો બંધ શું કરી દીધું કે તમે એવું માનવા લાગ્યા છો કે આખું જંગલ તમારું થઈ ગયું.'

    મેજર શુક્લાએ આતંકીના પડકારનો સ્વીકાર કર્યો હતો અને તેની સામે કરવામાં આવેલા ઓપરેશનની આગેવાની લીધી હતી. આતંકી સામેની કાર્યવાહીમાં એક આર્મી ઓફિસર અને એક જવાન ઘાયલ થયા હતા. આર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેજર શુક્લાની હાલત સ્થિર છે.


    આર્મીએ પોતાની રણનીતિ બદલી

    આર્મીની કાર્યવાહી કરવાની નવી પદ્ધતિ પ્રમાણે હવે આતંકીઓ જે ઘરમાં છૂપાયા હોવાની માહિતી મળે છે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ આર્મી પક્ષે જવાનોની ખુવારી ઓછી કરવાનું છે. આ પહેલા આર્મી ઘરને ઉડાવ્યા વગર અંદર સર્ચ ઓપરેશન હાથ ધરતી હતી. જેમાં અનેક વખત જવાનો શહીદ થતાં હતાં. આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે આર્મીએ હવે તેને યુક્તિઓ બદલી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: