કોવિડ 19 'હર્ડ ઇમ્યુનિટી' માટે હજુ ઘણો સમય લાગશે : WHOના ચીફ વૈજ્ઞાનિક

પ્રતિકાત્મક તસવીર

WHOના વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે વિશ્વએ ઓછામાં ઓછા એક વર્ષ સુધી કોરોનાને મ્હાત કરવાના પ્રયાસો ચાલુ જ રાખવા પડશે.

 • Share this:
  લંડન : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામિનાથન (Dr Soumya Swaminathan)નું કહેવું છે કે "હર્ડ ઇમ્યુનિટી" (Herd Immunity) માટે હજી ઘણો સમય લાગી શકે છે. હર્ડ ઇમ્યુનિટી એક એવી સ્થિતિ છે જ્યારે મોટાભાગના લોકોની ઇમ્યુનિટી કુદરતી રીતે એટલી મજબૂત બને છે કે તેમને વાયરસ અસર નથી કરતો. શુક્રવારે WHO તરફથી જીનેવા ખાતે આયોજીત સોશિયલ મીડિયા લાઇવ ઇવેન્ટને સંબોધિત કરતા ડૉક્ટર સૌમ્યાએ કહ્યુ હતુ કે, કુદરતી ઇમ્યુનિટી વિકસિત થાય તે માટે ચેપનો વધારે ફેલાવો જરૂરી છે.

  સાથે જ ડૉક્ટર સૌમ્યાએ ચેતવણી ઉચ્ચારી હતી કે, આવતા એક વર્ષ કે તેનાથી પણ વધારે સમય સુધી દુનિયાભરના લોકોએ વૈજ્ઞાનિક ઢબે કે પછી રસીથી વાયરસનો ખાત્મો બોલાવી શકાય તે માટે પ્રયત્નો ચાલુ રાખવા જ પડશે. હર્ડ ઇમ્યુનિટી વિશે વધારે છણાવટથી જણાવતા તેઓએ કહ્યું હતું કે, "હર્ડ ઇમ્યુનિટી ત્યારે વિકસિત થઈ કહેવાય જ્યારે કુલ વસ્તીમાંથી આશરે 50 થી 60 ટકા લોકોમાં આ ઇમ્યુનિટી ઉત્પન્ન થાય. આવું થાય તો જ આપણે કોરોનાની ચેનને તોડી શકીએ છીએ."

  તેમણે જણાવ્યું હતું કે, "કોરોના સામે લડવા તેમજ લોકોને બીમાર પડતા અને મરતા બચાવવા માટે રસી જ ઉત્તમ રસ્તો છે. કુદરતી રીતે ચેપના ફેલાવાને બદલે રસીકરણથી ઇમ્યુનિટી મેળવી લેવામાં આવે તો યોગ્ય રહેશે. દુર્ભાગ્યની વાત છે કે આગામી સમયમાં આપણને કોરોના સંક્રમણના વધારે વેવ અને મોત જોવા મળશે. "

  આ પણ વાંચો : વડાપ્રધાન મોદી સોમવારે નોઇડા, મુંબઈ અને કોલકાતામાં ICMRની ત્રણ અદ્યતન લેબને ખુલ્લી મૂકશે

  ડૉક્ટર સૌમ્યાએ વધુમાં કહ્યું હતું કે, "એક વખત આવશે જ્યારે લોકોમાં જાતે જ કુદરતી ઇમ્યુનિટી ઉત્પન્ન થશે. આપણે અનેક અભ્યાસમાં વાંચીએ છીએ કે વિશ્વના અનેક દેશોના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ છે, પરંતુ આ પ્રમાણ કુલ વસ્તીના ફક્ત પાંચથી 10 ટકા જેટલું જ છે. અમુક જગ્યાએ આ પ્રમાણ વધીને 20 ટકા સુધી પહોંચ્યું છે."

  WHOના ચીફ ડૉક્ટરના કહેવા પ્રમાણે "દુનિયાના દેશોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના પગલે અમુક લોકોમાં એન્ટીબોડીઝ વિકસિત થશે. આ લોકો અમુક સમય સુધી કુદરતી રીતે કોરોનાને મ્હાત આપી શકશે. એટલે કે આવા લોકો કોરોનાની ચેન માટે વિઘ્ન સાબિત થશે અને અંતે કોરોનાની ચેન તૂટતા ચેપ અટકી જશે."

  વીડિયો જુઓ : દ્વારકામાં વરસાદી પાણીના ખાડાએ ચારનો જીવ લીધો

  કોરોનાની રસી મામલે ડૉક્ટરે સૌમ્યાએ કહ્યું હતું કે, જો આ વર્ષના અંત સુધીમાં કેટલીક રસી તૈયાર પણ થઈ જાય છે તો પણ આપણે અબજોની સંખ્યામાં તેના ડોઝ તૈયાર કરવા પડશે. આ ડોઝ તૈયાર કરવામાં સમય લાગશે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વાયરસની રસી બનાવવા ખૂબ લાંબી પ્રક્રિયા છે. આ કામમાં જેટલા વધારે લોકો જોડાય એટલી સફળતાની શક્યતા વધી જાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: