ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રન વે બંધ, અસંખ્ય ફ્લાઇટો ડાઇવર્ટ કરાઈ

સ્પાઇસની ફ્લાઇટ

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ત્રીજી અને પાંચમી જુલાઈના રોજ મુંબઈમાં દરરોજ સરેરાશ આઠ ઇંચ વરસાદ પડી શકે છે.

 • Share this:
  મુંબઈ : ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રન વે બંધ કરવાની ફરજ પડી છે. સોમવારે રાત્રે સ્પાઇસ જેટલી ફ્લાઇટ રન વેથી આગળ નીકળી ગયા બાદ આ નિર્ણય કરાયો છે. હાલ એરપોર્ટનો બીજો રન વે કાર્યરત છે. મુખ્ય રન વે બંધ હોવાને પગલે અસંખ્ય ફ્લાઇટો મોડી પડી રહી છે અને અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટોનો બીજા એરપોર્ટ પર મોકલવામાં આવી રહી છે.

  સ્પાઇસ જેટનો બનાવ તેમજ ગતરાત્રે ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટ પરથી 54 જેટલી ફ્લાઇટોને અમદાવાદ તેમજ બેંગલુરુ સહિતના નજીકના એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે.

  ઘરેલું એરલાઇન્સ તરફથી પોતાના અધિકારિક ટ્વિટર હેન્ડલો પર ફ્લાઇટો કેન્સલ કે મોડી થવાની માહિતી આપવામાં આવી રહી છે. વિસ્ટારાએ મુંબઈ, તેમજ દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ અને ચૈન્નાઇથી પોતાની 10 ફ્લાઇટ રદ કરી હોવાની જાહેરાત કરી છે.

  સ્પાઇસ જેટ તેમજ ઇન્ડિગો તરફથી મુસાફરોને એવી પણ માહિતી આપવામાં આવી છે કે ખરાબ હવામાનને પગલે ફ્લાઇટનું આગમન અને જાવનમાં વાર લાગી શકે છે. બંને એરલાઇન તરફથી મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલા ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સૂચના આપવામાં આવી છે.

  રવિવારે રાત બાદ મુંબઈમાં 540 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર પ્રવીણ પરદેશીએ એનડીટીવી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જૂન મહિનામાં સરેરાશ 515 મિલીમીટર વરસાદ પડતો હોય છે, પરંતુ ફક્ત બે જ દિવસમાં 540 મિલીમીટર વરસાદ પડી ગયો છે. છેલ્લા દશ વર્ષમાં આ સૌથી વધારે વરસાદ છે.

  હવામાન વિભાગે આગામી 24થી 48 કલાક દરમિયાન હજુ વધારે વરસાદ પડવાની આગાહી આપી છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં પૂર આવવાની સંભાવના છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ત્રીજી અને પાંચમી જુલાઈના રોજ મુંબઈમાં દરરોજ સરેરાશ આઠ ઇંચ વરસાદ પડી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: