સુમિત શર્મા, હાથરસઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાથરસ (Hathras)ના બુલવાડીમાં કથિત ગેંગરેપ (Gangrape)ની શિકાર પીડિતાના મોત બાદ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. દિલ્હીથી શબ લાવ્યા બાદ પોલીસે તેને પરિવારને ન સોંપ્યો અને રાત્રે જ કોઈ વિધિ કર્યા વગર જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસ અને વહીવટીતંત્રના આ વલણથી પરિજનો તથા ગામ લોકોમાં ભારે આક્રોશ છે. એટલું જ નહીં મીડિયાને પણ કવરેજથી રોકી દેવામાં આવ્યું અને ખરાબ વર્તન કરવામાં આવ્યું.
આ પહેલા જ્યારે શબને ગામમાં લઈ જવામાં આવ્યું તો તેને પરિજનોને સોંપવામાં આવ્યું. ત્યારબાદ પરિજનોએ એમ્બ્યૂલન્સની સામે સૂઈ જઈને આક્રોશ વ્યક્ત કર્યો. આ દરમિયાન એસડીએમ પર પરિજનોની સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ પોલીસ અને ગામ લોકોમાં ઘર્ષણ થઈ ગયું. મૂળે પરિજનો રાતમાં શબના અંતિમ સંસ્કાર કરવા માંગતા નહોતા, જ્યારે પોલીસ તાત્કાલિક અંતિમ સંસ્કાર કરાવવા માંગતી હતી. ત્યારબાદ અડધી રાત બાદ લગભગ 2:40 વાગ્યે કોઈ પણ વિધિ વગર અને પરિજનોની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.
‘પીડિતાનો ચહેરો પણ ન જોવા દીધો’
પીડિતાની કાકી ભૂરી સિંહે કહ્યું કે પોલીસ દબાણ કરી રહી હતી કે શબના અંતિમ સંસ્કાર કરી દો. જ્યારે દીકરીના માતા-પિતા અને ભાઈ કોઈ પણ ત્યાં હાજર નહોતું, એ લોકો દિલ્હીમાં છે અને હજુ પહોંચ્યા પણ નથી. રાત્રે અંતિમ સંસ્કાર ન કરવા અને પરિવારની રાહ જોવાની વાત કહેતાં પોલીસે કહ્યું કે જો નહીં કરો તો અમે જાતે કરી દઈશું.
પીડિતાના મોત બાદ તમામ રાજકીય પાર્ટીઓએ યોગી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. ભીમ આર્મીએ તો સફદરગંજ હૉસ્પિટલ પહોંચીને ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા હતા. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કૉંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યા. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકોએ પીડિતાના સમર્થનમાં કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી.
વિપક્ષી પાર્ટીઓના વિરોધ અને મીડિયા રિપોર્ટ્સનું ખંડન કરતાં આઈજી પીયૂષ મોડિયાએ જણાવ્યું કે મેડિકલ તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ નથી થઈ. સાથોસાથ ટ્વિટર પર મીડિયા રિપોર્ટ્સનું ખંડન છાપતા પોલીસે કહ્યું કે ન જીભ કાપવામાં આવી હતી અને ન તો કરોડરજ્જૂનું હાડકું તૂટેલું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર