કોરોનાના કારણે બાળકની માનસિક સ્થિતિ પર ગંભીર અસર થઈ છે? જાણો શું કહે છે નિષ્ણાંતો?
કોરોનાના કારણે બાળકની માનસિક સ્થિતિ પર ગંભીર અસર થઈ છે?
વાયરસથી શારીરિક તકલીફનો ભોગ બનેલાના આંકડા તો મળી જાય પણ માનસિક નુકસાન કેટલું થયું હોવાના પૂરતા આંકડા નથી. મોટાભાગના લોકોને કોરોના કાળમાં નાની મોટી માનસિક અસર થઈ છે.
કોરોના મહામારીના કારણે લાખો લોકોને શારીરિક તકલીફનો સામનો કરવો પડ્યો છે. વાયરસથી શારીરિક તકલીફનો ભોગ બનેલાના આંકડા તો મળી જાય પણ માનસિક નુકસાન કેટલું થયું હોવાના પૂરતા આંકડા નથી. મોટાભાગના લોકોને કોરોના કાળમાં નાની મોટી માનસિક અસર થઈ છે. ખાસ કરીને નાના બાળકોની સ્થિતિ ખરાબ છે. તેમના કુમળા માનસ પર ઘણી ખરાબ અસર થઈ છે. આ બાબતે ટોચના મનોચિકિત્સક જણાવે છે કે, કોવિડના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ છે. બાળકોના માતા પિતા તથા અન્ય સંબંધીઓએ બાળકોના વ્યવહારને નોટિસ કરવો જોઈએ અને બાળકોને તેમની વાત શેર કરવા માટે કહેવું જોઈએ.
IANS સાથેના ઈન્ટરવ્યૂમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના મનોચિકિત્સા વિભાગના પ્રોફેસર અને સેન્ટ્રલ મેન્ટલ હેલ્થ ઓથોરિટીના સભ્ય ડૉ.રાજેશ સાગરે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, બાળકો માટે હળવાશભર્યું વાતાવરણ ઊભું કરવું જોઈએ, જેથી બાળક તેમના મનની વાત રજૂ કરી શકે.
કોવિડ-19ના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર થઈ છે?
બાળકો માનસિક અને શારીરિક રીતે ખૂબ જ કોમળ હોય છે. કોઈપણ પ્રકારની ચિંતા, તણાવ અને આઘાતના કારણે બાળક પર ખૂબ જ ગંભીર અસર થઈ શકે છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. કોરોનાને કારણે સામાન્ય ગતિવિધિઓ પર અસર થાય છે. અત્યારે શાળાઓ બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત તેઓ તેમના મિત્રો સાથે વાતચીત કરી શકતા નથી. બાળકોના મન પર ગંભીર અસર થઈ શકે તેવી અનેક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. કેટલાક બાળકો એવા છે, જેમણે પોતાના માતા પિતા અથવા નજીકના સંબંધીઓ ગુમાવ્યા છે.
આ તમામ કારણોસર બાળકોના મન પર ગંભીર અસર થઈ છે. જેના કારણે બાળકો ભાવનાત્મક વાતાવરણથી વંચિત થઈ શકે છે અને આ ભાવનાત્મક વાતાવરણ બાળકોના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જ્યારે કોઈ બાળક તણાવમાંથી પસાર થઈ રહ્યું છે તો તેની સાથે વાતચીત કરવા તમે કેવા પડકારોનો સામનો કરો છો?
જ્યારે બાળક તણાવમાંથી પસાર થાય છે, ત્યારે તે ખૂબ જ અલગ પ્રકારનો વ્યવહાર કરે છે. કેટલાક બાળકો તેમના માતા પિતા સાથે જ રહે છે, કેટલાક બાળકોનો સ્વભાવ ઉગ્ર થઈ જાય છે, કેટલાક બાળકો ઉદાસ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં બાળકોની માનસિક સ્થિતિને સમજવી ખૂબ જ અઘરી છે. આસપાસના વાતાવરણના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને તેમની લાગણીઓ પર અસર થાય છે. આ પરિસ્થિતિમાં બાળકો પોતાના મનની વાત રજૂ કરી શકતા નથી. દુ:ખ, બિમારી અને પ્રિયજનના મૃત્યુના કારણે બાળકો પર ખૂબ જ ગંભીર અસર થઈ શકે છે. બાળકો પોતાના ડર અને ચિંતાને વ્યક્ત કરી શકતા નથી.
આ પરિસ્થિતિમાં માતા પિતાએ બાળકોના વ્યવહાર પર નજર રાખવી જોઈએ. આ મહામારીના સમયમાં માતા પિતાએ તેમના બાળકને તેમના વિચાર અને દ્રષ્ટીકોણને વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. બાળકો પોતાની વાત રજૂ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. જો બાળકો વાત કરવામાં સક્ષમ નથી, તો તેમને ડ્રોઈંગ, પેઈન્ટિંગ અને અન્ય માધ્યમોની મદદથી તેમના વિચાર વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
બાળકોને મહામારી વિશે સીધા પ્રશ્નો ના પૂછવા જોઈએ. બાળકો સાથે વાતચીત કરતા સમયે વ્યવહાર ખૂબ જ હળવાશભર્યો હોવો જોઈએ, કારણ કે બાળકોને ખબર નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. આ કારણોસર બાળકોને સમજવા માટે આ તમામ બાબતો અંગે વાતચીત કરતા સમયે ક્રિએટીવ આઈડિયાનો ઉપયોગ કરવો જોઈએ. સંક્રમણ, મૃત્યુ જેવા ગંભીર વિષયો પર ચર્ચા કરતા સમયે સીધો સંવાદ કરવો જોઈએ.
મહામારીની બાળકો પર શુંઅસર થાયછે અને તમને શું લાગે છે આ અસરને કેવી રીતે ઓછી કરી શકાય છે?
બાળકોના જીવનના પ્રથમ પાંચ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તે સમયે બાળકોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત હોય છે. સકારાત્મક વાતાવરણનો અભાવ અને સામાજિક ઈન્ટરએક્શનના અભાવને કારણે બાળકના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે.
બાળકો પર સંક્રમણનું જોખમ ઊભું ના કરી શકીએ, પરંતુ બાળકો માટે મસ્તી મજાક વાળું વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત છે. જ્યાં બાળકોને વિભિન્ન એક્ટિવિટીમાં શામેલ કરવા જોઈએ. ઓનલાઈન શિક્ષણમાં પણ એક્ટિવિટી બેઝ્ડ શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. હું દ્રઢપણે માનું છું કે, આ પ્રકારે બાળકો માટે સુરક્ષિત તથા મસ્તી મજાકવાળું વાતાવરણ ઊભું થઈ શકે છે, જેનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી નથી.
મોટી ઉંમરના બાળકો પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમના માટે શું સલાહ છે?
મોટી ઉંમરના બાળકોની માનસિક સ્થિતિ સરળતાથી ઓળખી શકાય છે. મહામારીના કારણે તેમના શિક્ષણ અને તેમના કરિઅર યોજનાઓ પર વિપરીત અસર થઈ છે. મોટી ઉંમરના બાળકોના કેસમાં શિક્ષક અને માતા પિતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાળકોને કહેવું જોઈએ કે, આ પરિસ્થિતિમાં આપણે કંઈ કરી ન શકીએ અને આપણે બધા એકસાથે છીએ તેઓ એકલા નથી. સમગ્ર વિશ્વના બાળકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. બાળકો આ પરિસ્થિતિનો સ્વીકાર કરે તેનું માતા પિતાએ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શિક્ષણનું સ્તર ખૂબ જ ફ્લેક્સિબલ છે, આ કારણોસર મને લાગે છે, કે આ વાયરસના કારણે બાળકોના કરિઅર પર ગંભીર અને પ્રતિકૂળ અસર નહીં થાય.
આ મહામારીના સમયગાળામાં પેરેન્ટીંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તમે માતા-પિતાને શું સલાહ આપશો?
મહામારીને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાતા માતા પિતા માટે તેમના બાળકોની શૈક્ષણિક જરૂરિયાતનું ધ્યાન રાખવાની અને તે અંગેની જવાબદારી પૂર્ણ કરવી ખૂબ જ કઠિન બન્યું છે. દરેક ઉંમરના બાળકોની અલગ અલગ જરૂરિયાત હોય છે. બાળકોને સમય, અટેન્શન અને ખુશ મિજાજ વાતાવરણની જરૂરિયાત હોય છે. ઘરના તણાવપૂર્ણ વાતાવરણના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. જો ઘરમાં હળવાશભર્યું વાતાવરણ ઊભું કરવામાં આવે તો બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી નથી.
માતા પિતાએ સકારાત્મક વિચાર રાખવા જોઈએ. માતા પિતાએ શાંત રહેવું જોઈએ. માતા-પિતાએ તેમની દૈનિક એક્ટિવિટીઝને શિડ્યુલ કરવાની જરૂરિયાત છે, જેથી તેઓ તેમના બાળક માટે યોગ્ય સમય કાઢી શકે. જે લોકો તણાવનો સામનો કરવા માટે અસમર્થ છે, તેમણે તેમના પરિવાર, મિત્રો અને નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર