હરિયાણાઃ ગુમ થયેલી લોક ગાયિકાની હત્યા, CMના ગામમાંથી મળ્યો મૃતદેહ

મમતા શર્મા

બનીયાની ગામ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું વતન છે.

 • Share this:
  રોહતકઃ થોડા દિવસ પહેલા હરિયાણામાં ગુમ થયેલી લોક ગાયિકાનો મૃતદેહ મળી આવ્યો છે. ગુરુવારે ગળું કપાયેલી હાલતમાં તેણીનો મૃતદેહ રોહતક જિલ્લાના બનીયાની ગામમાંથી મળી આવ્યો છે. બનીયાની ગામ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું વતન છે.

  મમતા શર્માના પરિવારે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે તેમની પુત્રી રવિવારથી ગુમ થઈ હોવા છતાં જિલ્લા પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ગુરુવારે બપોર પછી ગામલોકોને ગામના એક ખેતરમાંથી મમતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

  મમતાના પુત્રના જણાવ્યા પ્રમાણે, તેની માતા રવિવારે સવારે પોતાના એક સાથી મોહિત કુમાર સાથે ઘરેથી નીકળી હતી. સોનિપતના ગોહાના ટાઉન ખાતે એક ઇવેન્ટ હોવાથી તે સવારે આઠ વાગ્યાની આસપાસ નીકળી હતી. 10.30ની આસપાસ મોહિતે ફોન કરીને અમને જાણ કરી હતી કે તેણી કાર બદલીને અન્ય લોકો સાથે ગઈ છે. મોહિતના જણાવ્યા પ્રમાણે મમતાએ તેને સીધા ઈવેન્ટમાં જ મળવાનું કહ્યું હતું, પરંતુ તે આવી ન હતી.

  મોહિતના કોલ બાદ પરિવારે તેને શોધવાના પ્રયાસ ચાલુ કર્યા હતા, તેમજ આ અંગેની જાણ પોલીસને પણ કરી હતી. સોમવારે મમતાના પુત્રએ જણાવ્યું હતું કે, રવિવારે તેની માતા ગુમ થયા બાદ તેના મોબાઈલ ફોનમાં રિંગ વાગી રહી હતી. સોમવાર બાદ તેનો ફોન બંધ આવી રહ્યો હતો. પોલીસ આ તમામ હકીકતથી વાકેફ હોવા છતાં કોઈ પગલાં ભર્યા ન હતા.

  પોલીસના જણાવ્યા પ્રમાણે મમતા શર્માના કેસમાં હત્યાનો ગુનો નોંધીને મમતા જેની સાથે નીકળી હતી તે લોકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: