Hariyana Crime News: પીડિતાની માએ જણાવ્યું કે તેમની પડોશમાં રહેતા મનોહરની તેમના ઘરે ઘણાં વર્ષોથી આવજાવ ચાલુ હતી. મનોહર સગીરાને પોતાની બહેન માનતો હતો અને દર રક્ષાબંધન પર રાખડી બંધાવતો હતો.
હિસાર. હરિયાણા (Hariyana News)ના હિસાર (Hisar) જિલ્લામાં સંબંધોને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરની પાસે એક ગામમાં 25 વર્ષીય યુવકે 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ (rape) આચર્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે પીડિતાએ યુવકને પોતાનો ભાઈ બનાવ્યો હતો. તે યુવક રક્ષાબંધન પર રાખડી બંધાવતો હતો અને ભાઈબીજ પર પોતાની બહેનનું વ્રત પણ ખોલાવતો હતો.
સોમવારે મોકો જોઈને મનોહર નામના યુવકે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. ભયભીત થઈ ગયેલી સગીરાએ આ ઘટના વિશે પાંચ દિવસ સુધી કોઈને પણ જણાવ્યું ન હતું. જ્યારે તેની માએ દીકરીના બદલાયેલા હાવભાવ અને તેને સૂનમૂન રહેતી જોઈ ત્યારે આખી ઘટના બહાર આવી હતી. પીડિતાની માની ફરિયાદના આધારે હિસાર પોલીસે મનોહર વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
પીડિતાની માએ જણાવ્યું કે તે પંજાબના વતની છે અને છેલ્લા 8 વર્ષથી હિસારના ગામમાં ભાડાના મકાનમાં રહે છે. અહીં પતિ-પત્ની બંને મજૂરી કરે છે. તેની પડોશમાં રહેતા મનોહરની તેમના ઘરે ઘણાં વર્ષોથી આવજાવ ચાલુ હતી. મનોહર સગીરાને પોતાની બહેન માનતો હતો અને દર રક્ષાબંધન પર રાખડી બંધાવતો હતો.
ગયા સોમવારે પતિ-પત્ની કામથી બહાર ગયા હતા. આ જ દરમિયાન મનોહરે તેમની દીકરીની મેગીમાં નશીલો પદાર્થ નાખીને આપી અને તેની સાથે કુકર્મ કર્યું. એ દિવસે જ્યારે મા-બાપ ઘરે આવ્યા તો તેમની દીકરી સૂનમૂન બનીને ખાટલા પર સૂતી હતી, પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. બે-ત્રણ દિવસ સુધી દીકરીનું આવું જ વર્તન રહેતા માને શંકા ગઈ હતી. માએ સગીરાને પૂછતાં તેણે રડતા રડતા જણાવ્યું કે મનોહરે તેની સાથે ખોટું કામ કર્યું છે અને કોઈને જણાવ્યું તો મારવાની ધમકી આપી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં સગીરા સાથે દુષ્કર્મની આ ત્રીજી ઘટના છે. બે દિવસ પહેલા જ આઝાદ નગર વિસ્તારમાં લગ્ન સમાંરભમાં એક વેઇટરે 8 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હતા. એ પહેલાં 12 વર્ષની બાળકી સાથે પડોશીએ દુષ્કર્મ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર