નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan)ની જેલમાં કેદ ભારતીય નાગરિક અને પૂર્વ નૌસેના અધિકારી કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav)ને પરત લાવવા માટે અનેક વાર બૅક ચેનલથી ત્યાંની સરકારને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વાતનો ખુલાસો હરીશ સાલ્વે (Harish Salve)એ કર્યો છે. સાલ્વે આ કેસમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં ભારતના કાઉન્સિલર હતા. સાથોસાથ તેઓ ભારતના પૂર્વ્ સોલિસિટર જનરલ પણ છે. નોંધનીય છે કે, જાધવને પાકિસ્તાનની કોર્ટે એપ્રિલ 2017માં ફાંસીની સજા સંભળાવી હતી. પાકિસ્તાને તેમની પર ભારતના જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો છે.
આ આધારે મુક્ત કરવાની વાત થઈ
અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ, એક સવાલના જવાબમાં હરીશ સાલ્વેએ લંડનથી કહ્યું કે, અમને આશા હતી કે પાકિસ્તાન સાથે પાછલા દરવાજે વાતચીત કરીને અમે તેમને મનાવી લઈશું. અમે તેમની સાથે માનવીય આધારે મુક્ત કરવાની વાત કરી રહ્યા હતા. મૂળે, કુલભૂષણ જાધવનો મામલો પાકિસ્તાન માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો હતો.
કેસમાં અત્યાર સુધી શું થયું?
કુલભૂષણ જાભવ પાકિસ્તાનની જેલમાં વર્ષ 2016થી કેદ છે. પાકિસ્તાન આરોપ લગાવી રહી છે કે કુલભૂષણ જાધવ એક જાસૂસ છે. જોકે, ભારત તરફગી આ દાવાને અનેક વાર નકારી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન સુરક્ષા દળોએ 3 માર્ચ 2016ના રોજ જાસૂસી અને આતંકવાદના આરોપમાં બલૂચિસ્તાનથી ધરપકડ કરી હતી. વર્ષ 2017માં ભારતે આ મામલો ICJમાં ઉઠાવ્યો. ગયા વર્ષે જુલાઈમાં કોર્ટે પાકિસ્તાનને કહ્યું કે કુલભૂષણ જાધવને કૉન્સૂલર એક્સેસ (Consular Access) આપે અને ફાંસીની સજા પર ફરીથી વિચાર કરે.
હરીશ સાલ્વેનું કહેવું છે કે, આ વિશે અમે વિચાર કરી રહ્યા છીએ કે શું આપણે ફરીથી ICJ જવું જોઈએ કે નહીં. મૂળે, પાકિસ્તાને આ વિશે હજુ સુધી કોઈ પગલાં નથી ભર્યા. તેઓએ એમ પણ કહ્યું કે પાકિસ્તાને આ વિશે હજુ સુધી FIRની કૉપી પણ ભારતને આપી નથી. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી ચાર્જશીટની કૉપી પણ નથી આપવામાં આવી. વારંવાર કહેવા છતાંય પાકિસ્તાન તરફથી કોઈ પુરાવા નથી આપવામાં આવી રહ્યા.