H-1 B વિઝા માટે આજથી ભરાશે ફોર્મ, આ કિસ્સામાં રદ થઈ શકે છે ફોર્મ

  • Share this:
    એચ-1 બી વિઝા માટે અરજી લેવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. જોકે, ટ્રમ્પ સરકારે સંકેત આપ્યા છે કે આ વખતે વિઝા અરજીની વધારે ચોક્કસાઇથી તપાસ કરવામાં આવશે. એચ-1 બી વિઝા સ્કિલ્ડ ભારતીય પ્રોફેશનલ્સ વચ્ચે ખૂબ જ લોકપ્રીય છે.

    યૂએસ સિટિઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) તરફથી એવા સંકેત આપવામાં આવ્યા છે કે સામાન્ય ભૂલના કેસમાં પણ અરજી રદ થઈ શકે છે. જો તમે વારે વારે એચ-1 બી વિઝા માટે અરજી કરશો તો પણ એપ્લિકેશન રદ થઈ શકે છે. યુએસ સિટિઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસિસે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ કંપની તરફથી એક વિષય માટે જ ફોર્મ ભરી શકે છે. અનેક વખત એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિ એક જ કંપનીની અલગ અલગ જોબ પોઝિશન માટે અરજી કરતા હોય છે, જેનાથી એચ-1 બી વિઝા મળવાની સંભાવના વધી જાય. યૂએસ સિટિઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસિસે કહ્યું કે, લોકોએ આવી ભૂલ કરવાનું ટાળવું જોઈએ.

    USCISના જણાવ્યા પ્રમાણે ફોર્મ પર ડેટ ઓફ જોઇનિંગ અથવા જેમ બને તેમ ઝડપી (ASAP) જેવા શબ્દનો ઉપયોગ કરવાથી પણ અરજી રદ કરવામાં આવશે. હજી સુધી એ વાત સ્પષ્ટ થઈ નથી કે એચ-1 બી વિઝા માટે લકી ડ્રો કરવામાં આવશે કે પછી કોઈ અન્ય સિસ્ટમના માધ્યમથી પસંદગી કરવામાં આવશે.

    શું છે એબ-1 બી વિઝા?

    એચ-1 બી વિઝા એવા વિદેશી પ્રોફેશનલ્સ માટે જાહેર કરવામાં આવે છે જે કોઈ 'ચોક્કસ' કામમાં હોશિયાર હોય છે. આ માટે સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ જરૂરી હોય છે. કંપનીએ નોકરી કરનાર વ્યક્તિ તરફથી એચ-1 બી વિઝા માટે ઇમિગ્રેશન વિભાગમાં અરજી કરવાની હોય છે. આ વ્યવસ્થા 1990માં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશે શરૂ કરી હતી. ગત વર્ષે અમેરિકાને એચ-1 બી વિઝા માટે બે લાખ અરજી મળી હતી. દરેક નાણાકીય વર્ષમાં 65 હજાર એચ-1 બી વિઝા આપવાની જોગવાઈ છે.
    Published by:Vinod Zankhaliya
    First published: