ગૌહાટી : આસામ સરકારે (Assam Government) ગૌહાટીમાં વધી રહેલા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખીને સોમવારથી બે અઠવાડિયાનાં સંપૂર્ણ લૉકડાઉન (Guwahati Total Lockdown)ની જાહેરાત કરી છે. આગતા અઠવાડિયાથી ફક્ત ફાર્મસી અને હૉસ્પિટલો (Hospitals)જ ખુલ્લી રહી શકશે. આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમા (Assam Health Minister Himanta Biswa Sarma)એ શુક્રવારે બપોર બાદ આવી જાહેરાત કરી હતી. તેમણે લોકોને માહિતી આપતા જણાવ્યું હતું કે, "મહેરબાની કરીને રવિવારે સુધી તમારી તમામ ખરીદી પૂર્ણ કરી લો."
51 વર્ષીય મંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રૅસ કૉન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે, "રવિવાર મધ્યરાત્રીથી બે અઠવાડિયા સુધી કમરુપ જિલ્લો સંપૂર્ણ બંધ પાળશે. જેમાં પ્રથમ સાત દિવસ સુધી ફક્ત હૉસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ જ ખુલ્લાં રહેશે. અન્ય તમામ વસ્તુઓ બંધ રહેશે." નોંધનીય છે કે ગૌહાટીની સમાવેશ કમરુપ જિલ્લામાં થાય છે.
સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 12 કલાકના કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. જે પ્રમાણે સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી આખા રાજ્યમાં કર્ફ્યૂ રહેશે. એટલું જ નહીં આ સાથે આસામ સરકાર અન્ય મોટા શહેરોમાં શનિવાર અને રવિવારના દિવસમાં સંપૂર્ણ લૉકડાઉનનું પાલન કરાવશે. આ દરમિયાન ઇમરજન્સી સિવાય અન્ય કોઈ સેવા ચાલુ નહીં રાખી શકાય.
આ દરમિયાન ગૌહાટીમાં અમુક સમય દરમિયાન બેંકોને ખોલવાની મંજૂરી મળશે. લૉકડાઉન દરમિયાન મુસાફરો રેલ અને એર ટિકિટનો ઉપયોગ પાસ તરીકે કરી શકશે. એક અઠવાડિયું સંપૂર્ણ બંધ રાખ્યા બાદ આગામી શુક્રવારે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જે બાદમાં બીજા અઠવાડિયે છૂટ આપવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.
નોંધનીય છે કે ગૌહાટી શહેરમાં 15 જૂન બાદ 700 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જ કારણે રાજ્ય સરકારે સંપૂર્ણ લૉકડાઉનનો નિર્ણય લેવો પડ્યો છે. ગુરુવારે રાજ્યમાં કુલ 276 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 133 દર્દી ગૌહાટીના છે.
આસામમાં અત્યાર સુધી કોરોનાના કુલ 6300 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. નોર્થ ઇસ્ટમાં આસામ રાજ્યમાં કોરોનાની સૌથી વધારે અસર પહોંચી છે. કોરોનાને કારણે અહીં નવ લોકોનાં મોત થયા છે, જ્યારે 4000 લોકો સાજા થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર