ન્યૂઝ18 ગુજરાતી : કાશ્મીર ઘાટીના શોપિયાં જિલ્લામાં સોમવાર મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટર અવનીરા ક્ષેત્રમાં થયું. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ આ દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. બંને આતંકવાદી આઈએસજેકે આતંકી સમૂહ સાથે જોડાયેલા છે. બંનેની ઓળખ પણ કરી લેવામાં આવી છે, જેમાંથી એક આદિલ અને બીજાનું નામ શકીર છે. બંને શોપિયાંના રહેવાસી છે. મળતી માહિતી અનુસાર, પોલીસને સૂચના મળી હતી કે વિસ્તારમાં આતંકી યુપાયેલા છે. ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ એક જોઇન્ટ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.
અચાનક કર્યુ ફાયર
પોલીસ અનુસાર આતંકવાદીઓને જોયા બાદ સુરક્ષા દળોના જવાનોએ ચેતવણી આપવા માટે કેટલાક વોર્નિંગ શોટ ફાયર કર્યા. ત્યારબાદ અચાનક જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરતાં બે આતંકવાદીઓને ઠાર માર્યા.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન
આ કાર્યવાહી બાદ પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશનને ચાલુ રાખ્યું છે. પોલીસ અનુસાર વિસ્તારમાં આતંકવાદીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. એવામાં એ જરૂરી છે કે સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવે. સુરક્ષા દળોએ પણ આ ઓપરેશનમાં પોલીસનો સાથ આપ્યો છે.